દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાનું ફરી આગમન: ખંભાળિયામાં બે ઈંચ વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા અતિ ભારે વરસાદ બાદ છેલ્લા આશરે એકાદ સપ્તાહ દરમિયાન મેઘરાજાનો વિરામ રહ્યો હતો. આ પછી આજરોજ ખંભાળિયા જિલ્લાના જુદા જુદા ભાગોમાં પુન: મેઘરાજાએ પોતાની વૃષ્ટિ વરસાવી છે. જેમાં આજે વહેલી સવારે આશરે છ થી સાત વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન બે ઈંચ (50 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. આ સાથે કલ્યાણપુર પંથકમાં પણ ચઢતા પહોરે એક ઈંચથી વધુ (30 મી.મી.) પાણી પડી ગયું હતું. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં આજે 11 મી.મી. અને ભાણવડ તાલુકામાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે. ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે મુશળધાર વરસાદના પગલે રામનાથ રોડ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ, નવાપરા, સહિતના વિસ્તારોમાં પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા તેમજ વધુ વરસાદ વરસતા ઉભા પાકને વ્યાપક નુકસાની થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મોસમનો કુલ વરસાદ દ્વારકામાં 54 ઈંચ, કલ્યાણપુરમાં 51 ઈંચ, ખંભાળિયામાં 45 ઈંચ અને ભાણવડમાં 29 ઈંચ વરસી જવા પામી છે. જિલ્લાના તમામ મોટા જળાશયો હાલ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે.