ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યા
તાલુકાના હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળુ રહેંસી છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ છે. ગુમ યુવાનની શોધખોળ દરમિયાન તળાવ પાસેથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે મૃતકના ભાઈએ જુગાર રમતા સમયે રૂૂપિયાની લેતીદેતી મામલે મથડાના શકમંદ આરોપીએ હત્યા નીપજાવી હોવાનો ગુનો નોધાવતા પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે.
ડગાળાના અને હાલ હાજાપરમાં રહેતા 31 વર્ષીય શબીરભાઈ અલીભાઈ જામની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. જે બાબતે પદ્ધર પોલીસ મથકે મૃતકના ભાઈ રફીકભાઈ અલીભાઈ જામે મથડાના શકદાર આરોપી અરવિંદ જયંતી સથવારા સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ શનિવારે સાંજે ગામના પૂર્વ સરપંચે ફોન કરી સીમમાં આવેલ રાતી તલાવડી પાસે મૃતદેહ મળ્યો હોવાનું કહ્યું હતું.
સ્થળ પર જોતા ફરિયાદીના ભાઈનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ દેખાયો હતો અને ગળું, છાતી, પીઠ અને હાથના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા. સમગ્ર મામલે પદ્ધર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ સંદીપસિંહ ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પોલીસે શકમંદ આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ અલગ પાંચ ટીમો બનાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. હાલ પોલીસે શકમંદ આરોપી સહીત ચારને રાઉન્ડઅપ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. શનિવારે સવારે મૃતક ગુમ થયો હોવાની ફરિયાદીને જાણ થતા ચંદિયા ગયા હતા. જ્યાં હાજર ઓસમાણ ચાકીને પુછતા તેને જણાવ્યું કે,પોતાની સાથે મૃતક શબીર, ઈબ્રાહીમ ચાકી, શબીર જાનમામદ કેવર અને મથડાનો અરવિંદ જયંતી સથવારા હાજાપરમાં જુગાર રમતા હતા.
એ દરમિયાન મૃતક અને શબીર જાનમામદે અરવિંદ સથવારાને રૂૂપિયા 10 હજાર આપ્યા હતા. જે લેવા માટે મૃતક અરવિંદ સાથે બાઈક પર મથડા તરફ ગયો હતો. જે બાદ શકમંદ આરોપી અરવિંદને પુછતા પોતે મૃતકને ઘરે લઇ ગયા બાદ રૂૂપિયા આપી પરત ચંદિયા ગામે એક ગલીમાં ઉતાર્યો હોવાનું કહ્યું હતું. જોકે મથડા અને ચંદીયાના સીસીટીવી ફૂટેજ તપાસતા મૃતક અને શકમંદ આરોપી બાઈક લઈને જતા હોવાનું દેખાયું ન હતું. હાજાપરમાં બહેનના ઘરે રહેતો અને છૂટક કડિયાકામ કરતો હતભાગી શુક્રવારે બપોરે ગુમ થયો હતો. મૃતકની શોધખોળ કરવામાં આવી રહી હતી.
એ દરમિયાન હાજાપરમાં રહેતા મૃતકના બહેન સારાબેનના જણાવ્યા પ્રમાણે શકમંદ આરોપી શુક્રવારે સવારે બે વખત ઘરે આવ્યો હતો અને હતભાગી શબીરની પુછા કરી હતી.જે બાદ શનિવારે સાંજે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળ પર તપાસ કરતા જણાવા મળ્યું હતું કે મૃતદેહને ઢસડવામાં આવ્યો હતો. અહીં એ પ્રકારના નિશાન મળ્યા છે. તેના પરથી વાહનમાં મૃતદેહ લાવી અહીં ફેંકી દેવાયો હોવાનો દાવો ફરિયાદીએ એફઆઇઆરમાં કર્યો છે. પોલીસે આ નિશાન તથા સ્થળ પર પંચનામુ કર્યું છે.