ગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયા
હજુ ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત એસપી કચેરી ખાતે યોજાયેલા લોકસંવાદમાં સંકુલમાં નશીલા પદાર્થો વેચાતા હોઈ યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને શાળા - કોલેજો આસપાસ ડ્રગ્સ વેચાતું હોવાની રજુઆત કરાતા આઈજીએ એક મહિનામાં નશીલા પદાર્થોનું વેંચાણ બંધ કરાવવવાની ખાતરી આપી હતી અને બીજા જ દિવસે કોકેઈન સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જેઓ પાસેથી 17.7પ લાખનું કોકેઈન ઝડપી લેવાયું છે. રેન્જ આઈજીના લોકસંવાદ દરમ્યાન જાગૃત નાગરીકો દ્વારા જિલ્લામાં ડ્રગ્સની બદી ડામવા માટે રજુઆત કરાઈ હતી. જે અન્વયે એસપી સાગર બાગમાર દ્વારા સ્કૂલ કોલેજના યુવાનો નશાકારક પ્રવૃતિ ન કરે, નશાથી દૂર રહે તે માટે ગાંધીધામ શહેરમાં બદીને ડામવા માટે સુચના આપતા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં ગાંધીધામ એ ડિવિઝનના પીઆઈ એમ.ડી. ચૌધરીની ટીમ પ્રયત્નશીલ હતી, ત્યારે નગરપાલિકા પાસે આવેલ હોટલ એરલાયન્સ ખાતેથી કોકેઈનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવાયા હતા.
પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, મુળ પંજાબના તરનતારન જિલ્લાના ધરકા ગામના ચનનસિંઘ કુંદનસિંઘ મજબીશેખ ડ્રગ્સ આપવા માટે ગાંધીધામ આવ્યો હતો. અહીં હોટલ એરલાયન્સ ખાતે રોકાયો હતો. જયાં માલ લેવા માટે આદીપુરનો પરેશ અરજણદાસ અડવાણી પહોંચ્યો જયાં બન્નેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. 17.7પ ગ્રામ કોકેઈન કિંમત રૂૂા. 17.7પ લાખ તેમજ 8 હજારના બે મોબાઈલ અને 1030 રોકડા કબજે કરવામાં આવ્યા હતા. પુછપરછમાં સામે આવ્યું કે, ચનનસિંઘ પંજાબના તરનતારન જિલ્લામાં રહેતા બાઉ સરદાર પાસેથી કોકેઈન લાવી ગાંધીધામમાં ડીલીવરી માટે આવ્યો હતો. જેથી બાઉ સરદારને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે. હાલ એ ડિવિઝન પોલીસે ત્રણેય સામે એનડીપીએસની કલમ તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એમ.ડી.ચૌધરી, પીએસઆઈ એસ.વી.ડાંગર અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.