લીધો મણિયારા વાળો વેશ! ભરૂચ પોલીસનું રાજકોટમાં દિલધડક ઓપરેશન
આરોપી પિતા-પુત્રને પકડી લેવા પોલીસે ચાની લારી પર કામ કર્યુ, ભરવાડનો વેશ ધારણ કરી રૈયાધારે વોચ ગોઠવી !!
ભરૂચના શેરપુરા રોડ ખાતે આવેલાં શિલ્પી સ્કવેરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામની દુકાન ખોલી ભાવિન પંકજ પરમાર તેમજ તેના પાલકપિતા ગુણવંત નગીન કવૈયા તથા સાવકો ભાઇ ચિરાગ મળીને તેમાં લોકોને વિદેશ મોકલવાનું કામ કરતાં હતાં. દરમિયાનમાં હુસેનિયા વિસ્તારમાં મદની પાર્ક ખાતે રહેતાં રૂૂકૈયાબાનુ મોબીન પટેલના પુત્ર સાબીરને કેનેડામાં નોકરી કરવા માટે મોકલવાનું નક્કી કરતાં તેમણે ભાવિનના સંપર્કમાં આવ્યાં હતાં. જે બાદ ભાવિન તેમજ તેના પાલક પિતા અને ચિરાગે તેમની પાસેથી લાખો રૂૂપિયા પડાવતાં તેમણે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં પિતા-પુત્રની જોડીએ 35 લોકો પાસેથી કુલ 3.50 કરોડથી વધુની રકમ લઇ તેમની સાથે ઠગાઇ કરી હોવાનું માલુમ પડ્યું હતું.
દરમિયાનમાં એલસીબીના પીઆઇ એમ. પી. વાળા તેમજ તેમની ટીમના પીએસઆઇ ડી. એ. તુવરને બન્ને આરોપીઓની કડી મળી હતી.તેઓ બન્ને રાજકોટ શહેરમાં હોવાની બાતમી મળતાં એલસીબીની ટીમે પાંચ દિવસ સુધી રાજકટોના અલગ અલગ વિસ્તારમાં ધામા નાંખી રૈયાધાર વિસ્તારમાં સનસીટી એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિન પરમાર તેમજ તેના પાલક પિતા ગુણવંતને યુનિવર્સિટી પોલીસના સ્ટાફની મદદથી ઝડપી પાડી ભરૂચ લઇ આવી હતી.
ભરૂચમાં 35 લોકોને ભોળવીને 3.50 કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થઇ ગયેલો ભાવિન તેમજ તેના પાલક પિતા ગુણવંત કવૈયા પોલીસથી બચવા માટે રાજકોટ ભાગી ગયાં હતાં. જે અંગે ભરૂૂચ એલસીબીની ટીમને જાણ થતાં પીએસઆઇ ડી. એ. તુવર તેમજ તેમની ટીમ તુરંત રાજકોટ પહોંચી હતી. જ્યાં તેઓએ બન્ને આરોપીઓને ઝડપી પાડવા માટે પહેલાં તેમના રહેણાંક વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તેમના પર શક ન જાય તે માટે તેઓએ ત્યાં ચાની લારી પર કામ કરી તેમના ઘર પર નજર રાખી હતી. તો ક્યારેક ભરવાડના વેશમાં તેમના વિસ્તારમાં ચક્કર મારી તેમની ગતિવિધીઓ પર ધ્યાન રાખતાં હતાં. ભાવિન રોજ સવારે સાડા દશ વાગ્યાના અરસામાં તેની ઓફીસે જતો હતો.જોકે, તેના પિતા ઘરની બહાર નિકળતાં ન હોઇ તેઓ અંદર છે કે નહીં તે અંગે પોલીસ મુંજવણમાં હોઇ પાંચેક દિવસ સુધી તેમના પર નજર રાખી હતી.
અરસામાં તેના પિતા પણ ત્યાં જ હોવાનું માલુમ પડતાં ભરૂૂચ એલસીબીની ટીમે બન્નેને યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમ.જી.વસાવા અને ડિ-સ્ટાફની મદદથી ઝડપી પાડ્યાં હતાં.બન્ને આરોપીઓ છેલ્લાં એક વર્ષથી ક્યાં ક્યાં સંતાયા હતાં.તેમણે અન્ય કોઇ સાથે ઠગાઇ કરી છે કે કેમ, તેમની સાથે અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા પિતા-પુત્ર બંનેને કોર્ટમાં રજૂ કરાશે.