મુન્દ્ર નજીક રસ્તા પરના ખાડાના કારણે મહિલાનું મોત
માતા-પુત્ર મેઘપર કુંભારડીથી મુન્દ્રા તરફ બાઇકમાં જવા નીકળ્યા હતા
અંજારના મેઘપર કુંભારડી સીમમાં આવેલા આદિત્યનગરથી માતા અને પુત્ર બાઇક લઇ મુન્દ્રા જવા નિકળ્યા હતા પણ અંજાર-મુન્દ્રા હાઇવે પર ભુવડ પાસે રસ્તામાં પડી ગયેલો મોટો ખાડો માતાના મોતનું કારણ બન્યો હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.
મુળ બનાસકાંઠાના હાલે મેઘપર (કું) સીમમાં આવેલા આદિત્યનગરમાં રહેતા અને નવલખી ખાતે એસઆરપી (બોર્ડર વિંગ) માં ફરજ બજાવતા 57 વર્ષીય ભરતસિંહ શંકરસિંહ જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, અકસ્માતનો બનાવ શુક્રવારે સવારે 10 વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં તેમનો નાનો પુત્ર કુલદિપસિંહ તેની માતા ભક્તિબેનને બેસાડી મુંદરા જવા નીકળ્યો હતો. તેઓ અંજાર -મુન્દ્રા હાઇવે પર ભુવડ પાસે આવેલી સુર્યા કંપની સામે પહોંચ્યા ત્યારે હાઇવે પર પડી ગયેલો મોટો ખાડો આવી જતાં કુલદિપે બાઇકના બ્રેક મારતાં માતા-પુત્ર બન્ને રસ્તા પર પટકાયા હતા. જેમાં ભક્તિબેનને માથા અને જમણા ખભે ગંભીર ઈજાઓ થઈ હતી. રસ્તા પરથી પસાર થતા મીની ટેમ્પોવાળાએ માતા પુત્રને સારવાર માટે અંજારની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતાં. ગંભીર ઈજાથી ભક્તિબેનનું મૃત્યુ નીપજ્યું હતું.
દુર્ઘટના અંગે એસઆરપી જવાન પિતા ભરતસિંહે પુત્ર વિરુધ્ધ બેદરકારી દાખવી વાહન ચલાવી જીવલેણ અકસ્માત સર્જવા બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.તેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ પરિવારમાં શોક ફેલાયો છે.