યુવતીને ભગાડી ગયેલ યુવકને લોકમેળામાં વેતરી નાખ્યો
રાપરમાં બનેલી સનસનાટી ભરી ઘટના, યુવતીના કાકાએ જ છરીના ઘા ઝીંકી દીધા
વાગડ પંથકમાં યુવતીને ભગાડી ગયાની ઘટનાનો કરૂૂણ અંજામ આવ્યો છે. પોતાની ભત્રીજીને ભગાડી ગયાના ચાર મહિના બાદ યુવતીના પરિવારજનો અને યુવતીને ભગાડી જનાર યુવક મેળામાં સામ સામે આવી જતા યુવતીના બે સગા કાકાએ સાથે મળીને યુવકની હત્યા કરી નાખી હતી. જે તે સમયે યુવાનને યુવતીના પરિવારે માફ કરી દીધો હતો, પરંતુ મેળામાં યુવતી સામે તે આવતા વ્હેમ હતો કે, યુવક હજુ પણ યુવતીનો પીછો કરી રહ્યો છે જેથી, મેળામાં યુવકનો પીછો કરીને તેને આંતરીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થતા મામલો હત્યામાં પલટાયો હતો. આ અંગે રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચાર મહિના પહેલા યુવકને માફ કરી સંબંધો તોડી નાખવા ધમકી આપી હતી પણ મેળામાં હાજર હોતા ભત્રીજીનો પીછો કરતો હોવાની બંન્ને કાકાને શંકા હતી. રાપર તાલુકાના મોમાવવાંઢનો રહેવાસી 19 વર્ષીય યુવક નરેશ સામાભાઈ કોળી ચાર મહિના પહેલા એક યુવતીને ભગાડી ગયો હતો. જેતે સમયે યુવતીના પરિવારજનોએ તેને શોધી કાઢ્યો હતો અને યુવતીને પણ સમજાવી પરત ઘરે લાવ્યા હતા. યુવતીના પરિવારે નરેશને યુવતીથી દુર રહેવા અને સંબંધ તોડી નાખવા ધમકી આપી હતી. તે સમયે સમાધાન થયું હતું અને યુવાનને માફ કરી દીધો હતો. પરંતુ, આ ઘટનાનો કરૂૂણ અંજમ આપ્યો છે.
રાપર તાલુકાના કારુડા-સલારી વચ્ચે ભરાયેલા રાજબાઈ માતાના લોકમેળામાં યુવતીના પરિવારજનો અને નરેશ સામસામે આવી ગયા હતા. જેથી, યુવતીના પરિવારને શંકા ગઈ હતી કે, નરેશ હજુ પણ તેમની દીકરીનો પીછો કરે છે. જેથી યુવક આગળ જતા જ યુવતીના બે સગા કાકા જાવીન મોહન પરમાર અને કાંતિ મોહન પરમાર નરેશની પાછળ દોડી ગયા હતા અને કહેલુ કે, તુ હજુ કેમ અમારી ભત્રીજીનો પીછો કરે છે, આમ કહીને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેમાં નરેશના શરીરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેને સારવાર પણ નસીબ થઈ ન હતી અને ઘટના સ્થળે નરેશે દમ તોડી દીધો હતો.
સરાજાહેર લોકમેળામાં હત્યાની ઘટનાને પગલે મેળો મહાલવા આવેલા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. હત્યાના બનાવને અંજામ આપી બંને હત્યારો નાસી જતા રાપર પી.આઈ. જે.બી.બુબડીયાએ ગુનો નોંધીને ધરપકડ કરવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.