જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં મનિષા ગૌસ્વામીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
માધાપરના યુવાનના આપઘાત પ્રકરણમાં રહેવું પડશે જેલમાં જ
કચ્છ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા પ્રદેશ ભાજપના નેતા જેન્તી ભાનુશાલીની હત્યાના કેસના મુખ્ય કાવતરું કરનારી મહિલા આરોપીની જામીન અરજી સર્વોચ્ચ અદાલતે મંજૂર કરી હતી.. જો કે, હનિટ્રેપ કેસમાં પણ સંડોવણી હોવાથી જેલવાસ યથાવત્ રહેશે. આ અંગે મળતી માહિતી મુજબ મનિષા ગોસ્વામીની ખૂન કેસમાં રેગ્યુલર જામીન અરજી સર્વોચ્ચ અદાલતે મંજૂર કરી હતી.
ન્યાયાધીશ બી.આર. ગવાઈ અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથને બન્ને પક્ષની દલીલો સાંભળી અરજી ગ્રાહ્ય રાખી હતી. પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા અને દર ગુરુવારે અને રવિવારે પોલીસ મથકે હાજરી પુરાવવા સહિતની શરતો સાથે જામીન ગ્રાહ્ય કરાયા તથા સરકાર તરફે જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જામીન દરમ્યાન આરોપી ફરાર થઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી.
વર્ષ 2019માં જેન્તી ભાનુશાલી સયાજીનગરી એક્સપ્રેસમાં અમવાવાદ જતા હતા, ત્યારે ફસ્ટ એસી કોચમાં જ બંદૂકના ભડાકે ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ફરાર મનિષા ગોસ્વામી અને સૂરજિત ભાઉની ગુજરાત સી.આઈ.ડી. ક્રાઈમ રેલવેની ટીમે વર્ષ 2019માં ઉત્તરપ્રદેશની ધરપકડ કરી હતી. જેન્તી ભાનુશાલીના રાજકીય હરીફ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે મનિષાની સાથે મળીને હત્યાનું કાવતરું ઘડયું હતું.
મહારાષ્ટ્રના પૂણેથી ભાડૂતી હત્યારાઓ બોલાવીને હત્યા નીપજાવી હતી. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. દરમ્યાન ખૂન કેસમાં ભલે જામીન મળ્યા, પરંતુ જેલવાસ હજુ યથાવત્ રહેશે. માધાપરના યુવાનના હનિટ્રેપના કેસમાં મનિષાની સંડોવણી ખૂલી હતી અને તે કેસમાં તેની ધરપકડ થઈ હતી, જેથી જેલમાં છુટકારો નહીં થાય.
આ ઉપરાંત આ કેસમાં જેનું નામ ખૂલ્યું, તે મનિષાના પતિ ગુજજુગિરિ ગોસ્વામીની હજુ સુધી આ કેસમાં ધરપકડ થઈ નથી. દરમ્યાન તાજેતરમાં ગળપાદર જિલ્લા જેલમાં પૂર્વ કચ્છ પોલીસે દરોડો પાડી મહેફિલ માણતા કેદીઓને ઝડપી પાડયા હતા. આ દરમ્યાન જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં જ ઝડપાયેલા સૂરજિત ભાઉને પાલારા જેલમાં તબદીલ કરાયા છે. આ કેસમાં એક આરોપી મનોજ ઉર્ફે પકડો કાનજી માતંગને ગાંધીધામ કોર્ટે જામીન મુક્ત કર્યા હતા, જ્યારે એક આરોપી સોનુની જેલ બદલીનો હુકમ હજુ સુધી થયો ન હોવાનું જાણવા મળ્યું હતું.