કચ્છનો પરિવાર વતનમાં મામેરું પતાવી મુંબઇ મતદાન કરવા નીકળ્યો ને અકસ્માત, માતા-પુત્રનાં કરુણ મોત
ટ્રકને ઓવરટેક કરવા જતી વેળાએ રેલિંગમાં કાર ભટકાતા ભરૂચ નજીક અકસ્માત સર્જાયો
મુળ કચ્છ નખત્રાણા તાલુકાના વેસલપર ગામના વતની અરવિંદ શામજી પટેલ તેમજ તેમના ભાઇ અશોક બન્ને પોતાના પરિવારો સાથે મુંબઇના ડોંબવલી ખાતે રહેતાં હતાં. હાલમાં વેકેશનમાં તેઓ કચ્છ તેમના વતને ગયાં હતાં. જ્યાંથી તેઓ ગઇકાલે રાત્રીના સમયે તેઓ બન્ને ભાઇઓના પરિવાર પોત-પોતાની અર્ટીગા કારમાં કચ્છથી મુંબઇ તરફ જવા રવાના થયાં હતાં. તેમના ભાઇ અશોકની કાર ભત્રીજો નિર્મીત ચલાવી રહ્યો હતો. જ્યારે કારમાં અશોકભાઇ તેમજ તેમની પત્ની નીશા અને બીજો પુત્ર જીત બેઠાં હતાં.
તેઓ વડોદરાથી દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર ચઢ્યાં હતાં. તેઓ સવારના સાડાપાંચેક વાગ્યાના અરસામાં તેઓ આમોદ તાલુકાના દોરા ગામના રેસ્ટ હાઉસ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં તેમનો ભત્રીજો તેમની કારને ઓવરટેક કરીને આગળ નિકળી ગયો હતો. તેઓ તેની પાછળ જ ચાલી રહ્યાં હતાં. અરસામાં તેમના ભત્રીજાએ એક ટ્રકને રોંગ સાઇડથી ઓવરટેક કરવા જતાં તેનું આગળનું ટાયર ટ્રકના પાછળના બમ્પર સાથે અથડાતાં આગળનું ટાયર તુટી જતાં તેમની કાર બેકાબુ થઇ ખાલી સાઇડની રેલિંગમાં ભટકાઇ ગઇ હતી. અરવિંદભાઇની કાર તેમનો પુત્ર જયનીશ રોડની ચોથી લેનમાં કાર ચલાવી રહ્યો હતો. તેમના ભાઇની કારને અકસ્માત થતાં તેણે બ્રેક મારી હતી. જોકે, સ્ટિયરિંગ બેકાબુ થતાં તેણે પણ કાર રેલીંગમાં અથાડી દીધી હતી. જોકે, તેમને કોઇને ઇજાઓ થઇ ન હતી. તેમણે તુરંત નીચે ઉતરી તેમના ભાઇની કારમાં જોતાં ત્યાં તેમના ભાઇની પત્ની નીશા તેમજ ભત્રિજા નિર્મીતનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત થયું હોવાનું માલુમ પડયું હતું. જ્યારે તેમના ભાઇ અને બીજા ભત્રીજા જીતને ઇજાઓ થઇ હતી. બનાવને પગલે આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેસલપરના સરપંચ રવિલાલભાઈ પોકારે જણાવ્યું હતું કે, મુંબઇથી પરિવાર રવિવારે કચ્છ પહોંચી આવ્યો હતો. રવિવારે તેઓએ ભુજ ખાતે રિસેપ્શનમાં હાજરી આપી હતી. ત્યારબાદ રત્નાપર મઉમાં બહેનના ઘરમાં મામેરું કર્યું હતું. અંતમાં પોતાના ગામ વેસલપર આવ્યા હતાં. ત્યાંથી સોમવારે મુંબઈ જવા રાતે 10 વાગે વેસલપરથી નીકળેલા અને સવારના ભરૂૂચ પાસે અકસ્માત થયું હતું. ચૂંટણીનું મતદાન હોતા રાતે જ નિકળ્યા હતાંં.