કચ્છની જેલમાં ‘જલસો’ કરતા કુખ્યાત કેદીઓના કારનામાનો પર્દાફાશ
જેન્તી ભાનુશાળી મર્ડર કેસના આરોપી સૂરજીત, બૂટલેગર યુવરાજસિંહ, જામનગર વકીલ ખૂન કેસના રઝાક સોપારી સહિત નવ આરોપી મહેફિલ માણતાં ઝડપાયા
એસપી સાગર બાગમેરે ટીમો સાથે ઓચિંતો દરોડો પાડયો: જેલર, સુબેદાર, હવાલદાર અને બે સિપાહી સસ્પેન્ડ
પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં રાતે પોલીસે દરોડો પાડતા છ નામચીન કેદીઓ શરાબ પીતા ઝડપાયા છે. આ ઉપરાંત જેલમાંથી ચાર મોબાઈલ મળી આવતા અલગ અલગ નવ ફરિયાદ નોંધાઈ છે. કચ્છની જેલો શરૂૂઆતથી બદનામ છે.ભુજની ખાસ પાલારા જેલમાં કુખ્યાત અને નામચીન આરોપીઓ સજા કાપે છે. આ જેલમાંથી ખંડણી, હનીટ્રેપ સહિતની ગંભીર ઘટનાઓ સાથે મોબાઈલ પકડાતા હોય છે. પૂર્વ કચ્છમાં ગળપાદર જિલ્લા જેલમાં અગાઉ મહેફીલ સાથે તમાકુ - ગુટખા અને મોબાઈલ મળી આવવાની ઘટના બની છે. થોડા દિવસો પહેલા ગળપાદર જેલનો વીડીયો વાયરલ થયો હતો.આ ઘટના બાદ ઊંઘતા ઝડપાયેલા જેલતંત્રે તાબડતોબ પગલાં લઇને ઇન્ચાર્જ એવા જેલર ઉપરાંત સુબેદાર, હવાલદાર અને બે સિપાહી સહિત જેલ સ્ટાફના પાંચ જણની જવાબદારી પ્રાથમિક તબક્કે નક્કી કરી તેમને ફરજમોકૂફ કરવા સાથે રાજકોટ જેલ ખાતે બદલી કરી દીધી હતી.
આ ઘટનાક્રમો વચ્ચે હાલમાં ચર્ચામાં આવેલા નીતા ચૌધરી કેસના આરોપીઓ પણ આ જ જેલમાં છે. ભચાઉ પાસે પીએસઆઈ પર થાર ચડાવી દેવાની ઘટના બાદ ઝડપાયેલા કુખ્યાત બુટલેગર શરૂૂઆતથી જ ગળપાદરમાં છે. તેમજ ફરાર થયેલી અને એટીએસના હાથે ઝડપાયેલી પૂર્વ કોન્સ્ટેબલ અને રીલ સ્ટાર નીતા ચૌધરી ગળપાદરમાં છે. આ સિવાય પણ અનેક ગંભીર ગુનાઓના કેદી ગળપાદર જેલમાં કેદ છે. તેવામાં ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, જેલમાં આરોપીઓની નસરભરાથ થઈ રહી છે.ત્યારે મોડી રાત્રે ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી, આદીપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગળપાદર જેલમાં ઓચીંતો દરોડો પાડવામાં આવતા જેલ પ્રશાસનની તમામ પોલ પૂર્વ કચ્છ પોલીસે ખોલી નાખી છે. રાત્રે 10.30 કલાકે પોલીસે દરોડો પાડયો હતો. જે કાર્યવાહી સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. જેમાં છ શખ્સો દારૂૂની મહેફીલ માણતા પકડાયા છે. ઉપરાંત ચાર મોબાઈલ મળી આવ્યા છે. બુટલેગર પાસે શરાબ પણ મળી આવતા નવ કેદી સામે એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ નવ ફરિયાદ નોંધાઈ છે.
સુત્રોના કહેવા પ્રમાણે ગળપાદર જેલમાં દારૂૂની મહેફીલ માણતા ભચાઉના કુખ્યાત બુટલેગર અને પીએસઆઈ થાર ચડાવી દેવાના ગુનામાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે પકડાયેલા યુવરાજસિંહ જાડેજા સહિત છ જણા પોલીસના હાથે પકડાયા છે. એક તરફ જેલમાં બહારથી કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ હોય છે તેવામાં મોબાઈલ, રોકડ, દારૂૂની બોટલો આવી કયાંથી તે સવાલ ઉઠી રહ્યો છે. જેલ સ્ટાફની મીલીભગત અને ટેબલ નીચેથી આવતી આવક જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કિસ્સામાં રાજય જેલ વિભાગ દ્વારા જેલ સ્ટાફ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું પરંતુ હાલમાં આ મુદ્દો રાજય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.પોલીસે દરોડા બાદ હાઈ સિક્યુરીટી બેરેકની છત પરથી રોકડા પ0 હજાર અને ચાર્જર,પ્લાસ્ટિકની પાણીની બોટલમાં 100 એમએલ દારૂૂ, યુવરાજસિંહનો આઈફોન -1,સુરજીતનો સેમસંગ ગેલેકસી મોબાઇલ,રજાક સોપારીનો એપલ 1પ પ્રોમેકસ,હિતુભાનો સાદો મોબાઈલ અને મોબાઈલના બે ચાર્જર મળી આવ્યા હતા. જેના પગલે જેલર એલ.વી. પરમાર, સુબેદાર આર.એસ. દેવડા તેમજ હવાલદાર પીન્કેશ સી. પટેલ, સિપાઇ રિવન્દ્ર ડી. મુળીયા અને શૈલેષ બી. ખેતરીયાને સસ્પેન્ડ કરાયા હતા.
હિસ્ટ્રીશીટર યુવરાજસિંહ, હિતુભા, રજાક સોપારી અને મનોજ વિરુદ્ધ ડઝનથી વધુ ગુના
આરોપી યુવરાજસિંહ વિરુધ્ધ પ્રોહિબિશન, મારમારી, હત્યાનો પ્રયાસ સહિતના ભચાઉ પોલીસમાં 22 ગુના તથા આરોપી મનોજ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન અને દુધઈ પો. સ્ટેમાં પ્રોહિબિશનની કુલ 24 ફરીયાદ, આરોપી હિતેન્દ્રસિંહ સામે હત્યા, બળાત્કાર સહિત કુલ 12 ગુના, આરોપી સુરજીત વિરુધ્ધ ચકચારી જેન્તી ભાનુશાલી હત્યાકેસમાં ફરીયાદ, શિવભદ્રસિંહ સામે પ્રોહિબિશનના ચાર ગુના, આરોપી રજાક સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત 19 ગુના નોંધાયા છે. આ ઉપરાંત પોલીસમાં હુમલાના ચકચારી પ્રકરણનો આરોપી યુવરાજ વિરુધ્ધ વધુ એક ફરિયાદ થઈ હતી.
દારૂની મહેફિલ માણતા અને મોબાઈલ સાથે ઝડપાયેલા કેદીઓ
મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ (જૂની સુંદરપુરી)
રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) (કાર્ગો ઝુપડા)
શીવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (નવી મોટી ચીરઈ)
ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી (મહેશ્વરીનગર)
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (અયોધ્યા)
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
સુરજીત દેવીસીંગ પરદેશી (પુના)
રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા (જામનગર)
હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા (મોરબી)