કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
22 મેડિક્લ ટીમો ઉતારાઇ
અબડાસા તાલુકામાં પણ વાઇરસનો પગ પેસારો થતા લોકોમાં ફફડાટ
કચ્છમાં હડકંપ મચી ગયો છે. કચ્છમાં ભેદી વાયરસે વધુ ત્રણ લોકોના ભોગ લેતા મૃત્યુઆંક 15 થયો છે. લખપત બાદ હવે અબડાસા તાલુકામાં પણ ભેદી વાયરસનો પગ પેસારો થયો છે. રાજકોટ અને ગાંધીનગરની તબીબી ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે. ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ, કોંગો ફીવર સહિતના નમુનાઓ પરીક્ષણ માટે મોકલાયા છે. રાજ્ય સરકાર પણ આ સ્થિતિને લઈને એક્શન મોડમાં આવી છે.
વાયરસથી થતા આ તાવમાં ચેપથી બચવુ ખાસ જરૂૂરી છે. સ્થાનિક મીડિયા કર્મી રિપોર્ટિંગ કરવા જતા તાવમાં પટકાયા છે. અત્યાર સુધીમાં ભેદી વાયરસના કારણે કુલ 15 લોકોનાં મોત નિપજ્યા છે.એકલા લખપત તાલુકામાં ભેદી બીમારીથી 13 લોકોના મોત નિપજ્યા છે. ભેખડ ગામે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. રાજ્ય સરકારે આરોગ્ય વિભાગની ટીમો કચ્છ મોકલી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યા છે. લખપતનાં અસરગ્રસ્ત ગામોનાં રાજ્યની આરોગ્ય ટીમ પહોંચી છે. ભેખડ સહિતના ગામમાં આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી છે. એકલા ભેખડ ગામમાં તાવનાં લીધે 3 મોત થયા હતા.
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવી ગંભીર બીમારીના કારણે મોત થઈ રહ્યા છે ત્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રજા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો કચ્છ કલેકટર અમિત અરોરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે.
પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, એચવનએનવન સ્વાઈન ફ્લૂ તેમજ નિમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો સર્વેલન્સ કરી રહી છે. તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે તેમજ વધુ ચકાસણી માટે ત્યાં પહોંચી છે. સાથે સાથે મગવાણા અને દયાપર પીએસસી સેન્ટરના ડોક્ટરોને પણ ઓપીડી ચેકઅપ માટે કાર્યરત કરવામાં આવ્યા છે હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું કચ્છ કલેકટરે જણાવ્યું હતું.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ બીમારી ફાટી નીકળી છે. લખપત તાલુકામાં ન્યુમોનિયા થી 13 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. એક જ સપ્તાહમાં લખપતમાં 13 યુવાનોના મોત થયા છે. લખપત તાલુકાના બોખડા ગામે 5, વાલાવારી 2, સાંન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાઢ અને લાખાપર ગામમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
સરકાર-વિપક્ષ સામસામે
વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આ મામલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. જ્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, શકિતસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે ત્યાં કાર્યરત છે. હાલ સર્વેની કામગીરી ચાલુ છે. રાજકોટથી પણ નિષ્ણાતોની ટીમ ત્યાં ગઈ છે. ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુનાં કારણે મોત થયાની હાલ પ્રાથમિક વિગતો મળી છે. તમામ મુદ્દે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકારે તુરંત જ કાર્યવાહી કરી છે.