બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલે પોલીસ પર કાર ચડાવવા કર્યો પ્રયાસ
ભચાઉ પાસે સમીસાંજે સર્જાયા ફિલ્મી દ્દશ્યો : થારમાં દારૂની મહેફિલ માણતા બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલને પકડવા જતાં પોલીસ પાર્ટી પર કાર ચડાવી દઈ હત્યાની પ્રયાસ
પોલીસે બૂટલેગરને પકડવા કર્યું ફાયરિંગ : બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ : થારમાંથી બીયરના ટીન મળ્યાં : હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન ભંગનો નોંધાતો ગુનો
કચ્છના ભચાઉ પાસે ગઈકાલે સમીસાંજે દારૂના ગુનામાં વોન્ટેડ ચિરઈના કુખ્યાત બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર થાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે થાર ગાડી લઈ નાશી રહેલા કુખ્યાત શખ્સ પર એક રાઉન્ડ ફાયરીંગ કરી ઝડપી લીધા બાદ કારની તલાશી લેતા તેમાંથી 18 બિયરના ટીન મળી આવ્યા હતા અને મહિલા કોન્સ્ટેબલ પણ બુટલેગરની સાથે હોય પોલીસે તેની પણ ધરપકડ કરી બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભચાઉના પીએસઆઈ ડી.જી. ઝાલાએ સરકારપક્ષે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ચિરઈ ગામના કુખ્યાત શખ્સ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહિલા કોન્સ્ટેબલ નીતાબેન વશરામભાઈ ચૌધરીનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચિરઈ ગામના કુખ્યાત શખ્સ યુવરાજસિંહ જાડેજા સામે હત્યાના પ્રયાસ એટ્રોસીટી અને પ્રોહિબીશનના 16 જેટલા ગુના નોંધાયા હોય અને આ સખ્સ દારૂના ગુનામાં વોન્ટેડ હોય અને ગઈકાલે સાંજે આરોપી થાર ગાડીમાં આવી રહ્યો હોવાની માહિતી મળતા ભચાઉ પોલીસ અને એલસીબીના સ્ટાફે ભચાઉ નજીક ગોલ્ડન બ્રીજની નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી થાર ગાડી લઈ નિકળતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ પાર્ટી પર થાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો અને કાર લઈ ભાગી છુટ્યો હતો પરંતુ પોલીસે પીછો કરી થાર ઉપર ફાયરીંગ કરતા આરોપી ઉભો રહી ગયો હતો જેની પોલીસે ધરપકડ કરી થારની તલાશીલેતા તેમાંથી 18 બિયરનાટીન મળી આવ્યા હતાં.
કુખ્યાત બુટલેગરની સાથે મહિલા કોન્સ્ટેબલ મીતાબેન ચૌધરી પણ ગુનામાં સાથે હોય જેની સામે પણ હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનભંગનો ગુનો નોંધી તેની આજે ધરપકડ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. આ કામગીરી ભચાઉ પોલીસની સાથે એલ સી બીનો સ્ટાફ પણ મદદમાં રહ્યો હતો.