રાપરના ચિત્રોડમાં યુવાનનું શંકાસ્પદ મોત, પરિવારે કહ્યું દારૂ પીવાથી જીવ ગયો !
રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે એક યુવકનું શંકાસ્પદ અવસ્થામાં ઘરે મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. પરિજનોના આક્ષેપ મુજબ દેશી દારૂૂ પીવાથી યુવકનું મૃત્યુ થયું છે. જોકે, પોલીસે કહ્યું છે કે, પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.
આ ઘટના આજે બપોરના સમયે બની હતી, જ્યારે યુવક બહારથી ઘરે આવીને સુઈ ગયો હતો. બાદમાં પરિવારના સભ્યોએ જગાડતા તે ભાનમાં આવ્યો ન હતો. હતભાગી યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે અંગેની જાણ ગાગોદર પોલીસમાં કરતા પોલીસે પીએમ માટે મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવના પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં પરિવારની મદદે દોડી આવ્યા છે. દરમિયાન મૃતકના પિતરાઈ ભાઈ મુકેશ ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી તુલસી ત્રણ દિકરોનો પિતા છે અને ગ્રેજ્યુએટ પાસ છે, તેણે પીએસઆઇની પરીક્ષા પણ આપેલી છે. હાલ વ્યાજબી ભાવની દુકાનમાં નોકરી કરતો હતો. વધુમાં કહ્યું કે, પોલીસમાં અનેક વખત દેશી દારૂૂનું વેંચાણ બંધ કરવા અંગે રજૂઆત કરી હોવા છતાં બંધ થતો નથી, જેના કારણે આશાસ્પદ યુવકનું આજે મૃત્યુ થયું છે. આ મામલે ગાગોદર પોલીસ મથકે નોંધાયેલી પ્રથમીક વિગતો મુજબ 28 વર્ષીય તુલસી દેવા ગોહિલનું મરણ થયું છે, આ અંગે પરિવારે દેશી દારૂૂના સેવનથી મૃત્યુ થયું હોવાની નોંધ કરાવી છે. જોકે, આ અંગે પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.