અંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાં
અંજારમાં તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં વ્યાપારિક મનદુ:ખ મુદ્દે છ જણે યુવતી ઉપર એસિડ ફેંકવા સાથે અન્ય બે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો મામલો અંજાર પોલીસ ચોપડે નોંધાયો હતો. અંજાર - ગાંધીધામ માર્ગ ઉપર આવેલા એક સ્પામાં રિસેપ્શન વિભાગ પાસે ગત તા. 3/6ના 10.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી કલ્પેશકુમાર પચાણભાઈ દેસાઈ (રહે. એવન સ્પા, એકતા શોપિંગ, સંતકૃપા સોસાયટી, મેઘપર બોરીચી), સબીર બાયડ, ફીરોજ લંઘા, મયૂર ઠક્કર, વસંત કોળી તથા એક અજાણ્યા શખ્સે વ્યાપારિક ધંધાના મનદુ:ખ મુદ્દે ગુનાહિત કાવતરું રચી 30 વર્ષીય યુવતીના સ્પા ઉપર આવીને સાહેલ દિલીપભાઈ સાથે ઝપાઝપી કરી હતી.
તહોમતદારોએ બે યુવતીઓ સાથે બોલચાલી કરીને શારીરિક અડપલાં પણ કર્યાં હતાં. પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, 30 વર્ષીય ફરિયાદી યુવતી ઉપર આરોપી કલ્પેશકુમારે એસિડ ફેકયું હતું, જેને કારણે યુવતીનો જમણો હાથ દાઝ્યો હતો. આવેલા આરોપીઓએ ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું હતું. આ ચકચારી બનાવમાં પોલીસે આરોપી કલ્પેશકુમાર અને મયૂર દિનેશભાઈ ઠકકરની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ચાર આરોપી પોલીસ પકડથી દૂર રહ્યા હતા.