મુંદ્રાના પત્રીની સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં છ ડૂબ્યા, એકનું મોત
છ મિત્રોનો આબાદ બચાવ, નાહવા પડયાબાદ ડૂબવા લાગ્યા હતા
મુંદરાની પત્રીના સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં મુંદરાથી ન્હાવા માટે સાત નવયુવાન ડૂબવા લાગ્યા હતા, જેમાં છનો આબાદ બચાવ થયો હતો, પરંતુ 17 વર્ષીય કિશોર ઓમ સંજય જયસ્વાલનું મૃત્યુ થતાં કરુણાંતિકા સર્જાઈ હતી.
આ અંગે પ્રાગપર પોલીસ તથા સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ અમુક શાળામાં સાથે ભણતા તથા અન્યો એમ મુંદરાના સાતેક નવયુવાન મિત્રો આજે સવારે 10.30 વાગ્યે ખેંગાર સાગર ડેમમાં ન્હાવા પડયા હતા, પરંતુ આ છોકરાઓને પાણીની ઊંડાઈનો ખ્યાલ ન હોવાથી ડૂબવા લાગ્યા હતા અને રાડા-રાડના પગલે સ્થાનિકોએ બચાવ્યા હતા, પરંતુ ઓમ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા બાદ લાંબા સમય સુધી પાણીમાં ડૂબ રહેતા તેનો જીવ બચી શક્યો ન હતો.
પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. ઉલ્લેખનીય છે કે, ડેમ ઉપર ફરવા આવતા લોકોએ એ ખ્યાલ રાખવો જરૂૂરી છે કે, પાણીની ઊંડાઈ અને વિસ્તારની જાણકારી વિના કોઈએ જોખમ લેવું જોઈએ નહીં. સ્વિમિંગ પુલોમાં તાર શીખીને આવનારા યુવકો મોટા ડેમોમાં અખતરા કરે છે. ઘણી વખત રીલ્સ બનાવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં નાખી દે છે. આ સંદર્ભે જાગૃતિ લાવવાની જરૂૂર હોવાનો મત આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે.