છેલ્લા ત્રણ ઘોરાડ બચાવવા કચ્છમાં પાવર કોરીડોર બનાવવા સુપ્રિમમાં દરખાસ્ત
કચ્છમાં હાઇટેન્શન વીજ લાઇનો નાખનારી PGVCL, GETCO સહીતની કંપનીઓ ટેન્શનમાં, સાત એક્સપર્ટની કમિટીના અહેવાલમાં અનેક પગલા સુચવાયા
લુપ્ત થવાના આરે રહેલા ઘોરાડ પંખીની વસાહતોમાંથી સોલાર/ પવનચક્કીઓની હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર કરવા સામે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં મોટું ડેવલોપમેન્ટ સામે આવ્યું છે. આ ડેવલોપમેન્ટથી પાવર કંપનીઓ ઉચાટમાં મૂકાઈ છે. વિકાસની સમાંતર ઘોરાડનું પણ સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુ અભ્યાસ કરીને ભલામણો કરવા સુપ્રીમ કોર્ટે રચેલી સાત નિષ્ણાતોની સમિતિએ કેટલીક મહત્વપૂર્ણ દરખાસ્તો સાથેનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો છે.
એક્સપર્ટ કમિટીએ ઘોરાડના સંરક્ષણ માટે કચ્છ અને રાજસ્થાનમાં ડેડીકેટેડ પાવર કોરિડોર બનાવવા, કેટલીક વર્તમાન પાવર લાઈન્સ અંડરગ્રાઉન્ડ કરવા અને કેટલીક જગ્યાએ આ પાવર લાઈન્સનો રુટ બદલવા સહિતની ભલામણો કરી છે. સમિતિના અહેવાલ પર આગામી મહિને સુનાવણી થાય તેવી શક્યતા છે. એક્સપર્ટ સમિતિએ કચ્છમાં બે ડેડીકેટેડ પાવર કોરિડોર બનાવવા ભલામણ કરી છે. એક પાવર કોરીડોરમાં કચ્છના સમુદ્રી કાંઠાળ પટ્ટમાંથી વીજ લાઈનો પસાર કરવા સૂચવાયું છે.
જ્યારે અન્ય એક પાવર કોરીડોર કે જેમાં ચારસો વોલ્ટની હાઈ વોલ્ટેજ પાવર લાઈન્સ હોય તે ઘોરાડ વસાહતની ઉત્તર તરફના વિસ્તારમાંથી પસાર કરવા ભલામણ કરી છે. સમિતિએ કચ્છમાં વર્તમાન પાંચસો ચોરસ કિલોમીટરના પ્રાયોરીટી એરિયાની સમીક્ષા કરીને તેને 740 ચોરસ કિલોમીટરમાં વિસ્તારવા ભલામણ કરી છે.
ભારેખમ શરીર અને નબળી દૃષ્ટિથી થાંભલા સાથે અથડાઇને ઘોરાડ મૃત્યુ પામે છે
વજનમાં સૌથી ભારેખમ પંખી ગણાતાં ઘોરાડ (ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ) પંખીની ગણીગાંઠી વસાહત મુખ્યત્વે કચ્છ અને રાજસ્થાનમાં બચી છે. 2019ના વર્ષમાં કેટલાંક પર્યાવરણવિદ્દ અને પક્ષીપ્રેમીઓએ ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન હેતુ તેની રક્ષિત વસાહતોમાંથી વીજ લાઈનો પસાર કરવા મુદ્દે ઉગ્ર વાંધા દર્શાવ્યાં હતા.
વીજલાઈનો સાથે અથડાઈને ઘોરાડ મૃત્યુ પામતાં હોઈ વીજ લાઈનો પસાર કરવી જ હોય તો અંડરગ્રાઉન્ડ કરવા રજૂઆત કરાઈ હતી. ભારેખમ શરીર અને નબળી દ્રષ્ટિના કારણે ઘોરાડ પંખીઓ વીજ લાઈનો સાથે ટકરાઈને મૃત્યુ પામી રહ્યાં છે.
ઘોરાડ વસાહતોમાં વધી રહેલી માનવ ખલેલ, વસાહતોનો થઈ રહેલો નાશ સાથે ઘોરાડ કુદરતી રીતે નીચો પ્રજનન દર ધરાવતું હોવાનું જણાવી કચ્છ અને રાજસ્થાનમાં માંડ દોઢસો જેટલાં ઘોરાડ બચ્યાં હોવાનું જણાવાયું હતું. કચ્છના અબડાસામાં આવેલા લાલા અભયારણ્યમાં તો માંડ ત્રણેક ઘોરાડ બચ્યાં છે. વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ દર વર્ષે ચારથી પાંચ ઘોરાડના વીજ કરંટના લીધે મૃત્યુ થતાં રહે તો આગામી વીસ વર્ષમાં ઘોરાડની વસતિ વિલુપ્ત થઈ જવાનો અંદાજ રજૂ કર્યો હતો.