કચ્છની પાલારા જેલમાં પોક્સોના આરોપીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ખાવડા માર્ગે આવેલી પાલારા-ભુજ જિલ્લા ખાસ જેલમાં પોક્સો સબબ કેસમાં પકડાયેલા આરોપી 22 વર્ષીય મોહિત ભરતભાઈ સુરેલા (મૂળ રહે. વીરવિદાર્કા, તા. માળિયા-મિયાંણા, જિ. મોરબી)એ તા. 9/9ના બપોરે પોતાની બેરેકના બાથરૂૂમની આડીમાં લૂંગી જેવું વત્ર બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બાબતે બી-ડિવિઝન પોલીસ અને જેલ અધીક્ષક ડી.એમ. ગોહેલે જણાવ્યું હતું કે, મૂળ મોરબી જિલ્લાના માળિયા-મિયાણા તાલુકાના વીરવિદાર્કા ગામનો વતની મોહિત ભરતભાઈ સુરેલાનું પોલીસે તા. 6/6/2024ના સગીરાના બળાત્કારના ગુનામાં પકડાયા પછી તેના પર પોક્સો સહિતની આઈપીસી કલમ 363, 366, 376 (2) (એન) આરોપી બનાવી ટંકારા પોલીસ સ્ટેશને ગુના નોંધીને મોરબી જેલમાં મોકલી દીધો હતો.
મોરબી જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદી હોવાના કારણે આ આરોપીને તા. 4/8/2024થી ભુજ બદલી કરાયો હતો. આરોપીએ બપોરે પોતાની બહેન સાથે જેલના નિયમ પ્રમાણે મળતી ટેલિફોન સુવિધાથી વાતચીત કરીને પરત બેરેકમાં આવીને સીધો બાથરૂૂમમાં ચાલ્યો ગયો હતો, તેવું બેરેકના અન્ય કેદીઓએ જવાબદાર અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત જેલમાં લાગેલા સીસીટીવીના ફૂટેજમાં કેદી બાથરૂૂમમાં જાય છે, તે પણ દેખાય છે.
બહેન સાથેની ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગની તપાસ કરાઈ રહી છે, હજુ સુધી કોઈ પણ વાંધાજનક લખાણ કે ચીઠ્ઠી મળી ન હોવાનું જેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. પોલીસ અને પોસ્ટમોર્ટમ સહિતને કાર્યવાહી કરાયા પછી મૃતદેહ વતન મોકલવાની તજવીજ કરાઈ હતી. બે વર્ષ પહેલાં પાલારા જેલમાં આવી જ રીતે કેદીના આત્મઘાતના બનાવ બાદ ફરી જેલમાં આ ઘટનાની ચકચાર મચી ગઈ હતી.