કચ્છના ચાર ગામમાં પોલીસનું કોમ્બિંગ, 150 ઘાતક શસ્ત્રો ઝડપાયા
હત્યા, લૂંટ, મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત ટોળકીના 22 સભ્યોને ત્યાં તપાસ
પૂર્વ કચ્છના ભચાઉ આસપાસ આવેલા શિકારપુર, સુરજબારી, જશાપરવાંઢ અને ચેરાવાંઢ ગામમાં રહેતા કુખ્યાત ઈસમોના ઘરે પૂર્વ કચ્છ પોલીસ ત્રાટકી હતી. જિલ્લા પોલીસ વડાની સુચનાથી ડીવાયએસપી સહિતનાં 381 પોલીસ કર્મચારીઓના કાફલાએ કોમ્બીંગ અને ચેકીંગ કરતાં 150 થી વધુ ઘાતક હથિયારો મળી આવ્યા છે.
તેમજ પોલીસે 22 જેટલા શકમંદોને ચેક કર્યા હતાં જેમાંથી ચાર કુખ્યાત શખ્સો હથિયાર અને કાર્ટીસ સાથે મળી આવ્યા હતાં. જેની સામે ગુના નોંધવામાં આવ્યા છે.
ભચારૂ આસપાસના કેટલાક ગામોના કુખ્યાત શખ્સો અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા હોય આવા કુખ્યાત ગુનેગારોને ત્યાં પોલીસ ચેકીંગ માટે ગઈ હતી.
મોડીરાત્રે એક સાથે પોલીસ ટીમ ત્રાટકી હતી જેમાં જિલ્લા પોલીસ વડા સાગર સાંબડાની સુચનાથી ભચાઉના ડીવાયએસપી તેમજ એલસીબી, એસઓજી, અંજાર અને ભચારૂ વિભાગના પોલીસ કર્મચારીઓ જેમાં એક ડીવાયએસપી, છ પીઆઈ, 22 પીએસઆઈ, 245 પોલીસ કોન્સ્ટેબલ, 53 મહિલા પોલીસ, 54 જીઆરડી સહિત 381 પોલીસ કાફલો શિકારપુર, સુરજબારી, જશાપરવાંઢ, અને ચેરાવાંઢમાં ચેકીંગમાં ઉતર્યો હતો અને 22 જેટલા શકમંદોને તપાસવામાં આવ્યા હતાં. જેમાં શિકારપુરના હનીફ રસુલ ત્રાયા પાસેથી દેશી બંદુક, દોસમામદ ઓસમાણ ત્રાણા પાસેથી 12 નંગ જીવતા કાર્ટીસ, ઉમરદીન જુશબ ત્રાયા પાસેથી ત્રણ જીવતા કાર્ટીસ, જ્યારે શિકારપુરના રફીક હાજી અલ્લારખા ત્રાયા પાસેથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કેટલાક ઘાતક હથિયારો કબજે કર્યા હતાં. જેમાં 76 ધારદાર છરી, 12 ધારીયા, 8 તલવાર, લોખંડની ફરસી 2, છરાવાળા ધારીયા 19, અને ભાલા તેમજ એરગન સહિત 150 થી વધુ હથિયારો મળી આવ્યા હતાં.
પોલીસે જે ચાર ગામમાં કોમ્બીંગ કર્યુ તે ચારેય ગામોમાં રહેતા શખ્સો મારામારી, હત્યા, લુંટ અને અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલા છે.પોલીસે આવા ગુનેગારોને ઉંઘતા જ ઝડપી લેવા આ ઓપરેશન હાથ ધર્યુ હતું.