લખપતના પીપર ગામે કૌટુંબિક કાકાના હાથે ભત્રીજીની ગળુ દબાવી કરપીણ હત્યા
લખપત તાલુકાની દરિયાઈ પટ્ટી પર આવેલા પીપર ગામમાં 20 વર્ષીય યુવતી સમાનીબાઈ સિધિક જતનું ગામના કૌટુંબિક કાકા ઈભ્રાહીમ ગુલામ જત (ઉ.વ. 27)એ ગળું દબાવીને ઢીમ ઢાળી દીધાની વિગતો સામે આવી છે. આ બનાવ અંગે રાત્રે તપાસકર્તા વાયોર પોલીસ મથકના પીએસઆઈ કે. વી. ડાંગરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ નોંધવા ને નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે. તેમણે મૃતકના પિતા સિધિક પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ પોતાના હોથીઆઈ (વાયોર) પાસેના ખેતરમાં બાજરો વાવ્યો હોવાથી સમાનીબાઈ ખેતરમાં પંખીઓ ઉડાડવા જતી હતી.
બપોરે 3.30 વાગ્યે ખેતરમાં રાડા-રાડીનો અવાજ સંભળાતાં ત્યાંથી આરોપી ઈભ્રાહીમ નાસી રહ્યો હતો અને સમાનીબાઈ બેભાન મળી હતી. ઈભ્રાહીમ ફરિયાદી સિધિકનો ભત્રીજો થાય છે અને તે પરિણીત છે. દયાપર ખાતે પોસ્ટ મોર્ટમ માટે યુવતીની લાશ લઈ અવાતાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તા. પં.ના પૂર્વ પ્રમુખ અલીમામદ જત, પૂર્વ ઉપપ્રમુખ હાસમભાઈ નોતિયાર તેમજ ઉપસ્થિત અગ્રણીઓ અસરગ્રસ્ત પરિવાર માટે મદદરૂૂપ થયા હતા. બનાવ અબડાસા તાલુકાની હદમાં બનતાં પોલીસતંત્ર પણ મૂંઝવણમાં મુકાયું હતું.