વાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત
ભચાઉ તાલુકાના દુધઈમાં વૃંદાવન ગોપનાથ એગ્રો ઇન્દ્રસ્ટ્રીઝનો બનાવેલો ભૂંસો ખાધા બાદ રાપર, ભચાઉ તાલુકામાં 60થી વધુ પશુઓના ટપોટપ મોતથી માલધારીઓના લલાટે ચિંતાના વાદળો ઘેરાયા છે.
મોવાણાના ગંગારામ રબારીએ જણાવ્યું હતું કે, તેમણે ગીરથી ડઝનેક ગાયો મોટી રકમ ચૂકવીને થોડાક દિવસો અગાઉ જ લઈ આવ્યા હતા, જેમાંથી 7 ગાયો આ ભૂંસો ખાધા બાદ મોતને ભેટી છે અને હજુ બીજી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. તો વ્રજવાણીમાં મારાજની બે ગાયો અને એક કિંમતી ભેંસ, વાછરડી સહિતના ઢોર આ ભૂંસો ખાવવાથી મૃત્યુ પામ્યાના આક્ષેપ રબારીએ કર્યા હતા.
આ જ પ્રકારે નંદાસર, બાદરગઢ, ગઢડા, બેલા, ખડીર પંથકના કેટલાક ગામોમાં અંદાજે અત્યાર સુધી 60 થી વધુ ગાયો, ભેંસોના મોત થયા છે અને 100થી વધુ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, આ ભુસો ખાધા બાદ અનેક પશુઓના મોત થયા છે અને હજુ પણ મોટી સંખ્યામાં ગાય, ભેંસ સહિતના પશુઓ સારવાર હેઠળ છે. આ બાબતે રાપરના પશુ ચિકિત્સક ગોવિંદ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઢોરના મૃત્યુ માટે પ્રાથમિક દ્રષ્ટિએ વૃંદાવન ગોપનાથ એગ્રોનો ભૂંસો કારણભૂત છે. તેઓ દ્વારા પોસ્ટમોર્ટમ કરીને રિપોર્ટ માટે આગળ નમૂનાઓ મોકલ્યા છે.
ભૂંસો ખાવાથી ખડીર પંથકમાં 50 જેટલા પશુઓના મોત થયા છે.
બાંભણકાના ઉપસરપંચ ગેમરસિંહ સોઢા, રતનપરના મહાદેવભાઇ સોનારા, કલ્યાણપરના સચિન પુંજાએ જણાવ્યું હતું કે, ‘પશુ આહાર સ્પેશ્યલ ભૂંસો’ ખવડાવવાથી પશુઓ બીમાર પડ્યા બાદ ટપોટપ મોતને ભેટે છે. ગણેશપરમાં 15 જેટલી ગાયો મરી ગઇ છે અને હજુ અનેક જિંદગી સામે જંગ લડી રહી છે. ખડીરની 7 ગ્રામપંચાયતો હેઠળના ગામોમાં 50 જેટલા પશુઓના મોત થયા છે. આ અંગે રાપરના ધારાસભ્યને જાણ કરાઇ છે. ગણેશપર, કલ્યાણપરમાં પશુઓના મોત બદલ ગઢડા પોલીસ મથકે ફરિયાદ અરજી અપાઇ છે.