સમૂહલગ્નના સ્ટેજ ઉપર ચડી મહંત પર હુમલો
વકીલ સહિત સાત શખ્સો તૂટી પડતા બઘડાટી, કચ્છના નખત્રાણામાં ગુરૂગરવા સમાજના લગ્નોત્સવમાં બનેલી ઘટના
કચ્છના નખત્રાણા નજીક આવેલા નાગલપુર ખાતે ગુરૂૂ ગરવા સમાજના 18માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં હજારો લોકોની હાજરીમાં સાત જેટલા લોકોએ સ્ટેજ પર ચડીને આમંત્રિત સંત પર હિચકારો હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને કુકમા આશ્રમના સંતે વકીલ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે નખત્રાણાના નાગલપુર ખાતે ગુરૂૂ ગરવા સમાજના 18મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુકમા આશ્રમના મહંત રામગિરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન વકીલ રમણિક ગરવા નામના શખ્સે સ્ટેજ પર ચડીને હજારો લોકોની હાજરીમાં મહંત પર જીવલેણ હુમલો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમૂહલગ્નમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાછતાં સંત પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઇને મહંત રામગિરીએ હત્યાના પ્રયાસ બદલ વકીલ રમણિક ગરવા તથા તેના સાગરિતો સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં મહંતે જણાવ્યું હતું કે રમણિક ગરવાએ એકાદ વર્ષ પહેલાં આશ્રમ ખાતે આવીને માથાકૂટ કરી હતી, જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ સમૂહલગ્નમાં અવરોધ ઉભા કરવા માટે વોટ્સએપ ગ્રુપો બનાવ્યા હતા. જેમાં ભડકાઉ ભાષણ લખીને સમૂહલગ્નમાં આવનાર મહેમાનો અપમાન કરી ઝઘડો કરવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઇને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.