અંજારમાં ટ્યૂશનમાં જતી સગીર છાત્રાને ભગાડી જનાર લંપટ શિક્ષક અમૃતસરથી પકડાયો
અંજાર વિસ્તારમાં પોતાના ટ્યુશન ક્લાસમાં ભણવા આવતી ધોરણ 11મા અભ્યાસ કરતી 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવીને ભાગી જનારા આત્મિય વિદ્યાપીઠના પરિણીત લંપટ શિક્ષકને પોલીસે પંજાબના અમૃતસરમાંથી ઝડપી પાડ્યો છે. ગત તા.2 જી ઓક્ટોબરે આરોપી શિક્ષક નિખિલ વાસુદેવ સેવકાણી વિદ્યાર્થીનીને એક્ટિવા પર ભગાડી ભચાઉ લઈ ગયા બાદ કચ્છ મુકીને નાસી ગયો હતો.
પીઆઇ એ.આર.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારે આપેલી સૂચનાના પગલે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન તળે નિખિલને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્રણ ટીમો બનાવી આરોપીની ભાળ મેળવવા પ્રયાસ ચાલુ હતા તે દરમિયાન આરોપી પંજાબના અમૃતસરમાં છૂપાયો હોવાનું લોકેશનના આધારે ખ્યાલ આવતા અંજારના એક પીએસઆઈ સહિતની ટીમે અમૃતસર પહોંચી અહીં વિવિધ હોટેલ ઢાબા અને મકાનોની તપાસ શરૂૂ કરીને એક હોટેલમાંથી નિખિલને અપહૃત છાત્રા સાથે ઝડપી લીધો હતો.
મેઘપર બોરીચીના ઘનશ્યામનગરમાં રહેતો 29 વર્ષિય નિખિલ સેવકાણી છાત્રાને ભગાડી જતાં ભારે ચકચાર સર્જાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, નિખિલે લવ મેરેજ કરેલા છે અને જે દિવસે છાત્રાને લઈને ભાગ્યો તે જ દિવસે જ એક દીકરીનો પિતા બન્યો હતો. પોલીસે અપહૃત સગીરાને તેના પરિવારને સોંપી હતી.