કચ્છના મહારાવ 20 કરોડનો માનહાનીનો કેસ હાર્યા
માતાના મઢ ખાતે પત્રિવિધિ કરતા અટકાવતા મહંત યોગેન્દ્રસિંહજી બાવા સામે કર્યો હતો દાવો
કચ્છમાં માતાના મઢ ખાતે દેશ દેવી કુળદેવી મૉં આશાપુરાના મંદિરે દર વર્ષે થતી પત્રી વિધિને લઈને છેલ્લા કેટલાય સમયથી મામલો ચર્ચામાં રહેલો છે અને આ મુદ્દો કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. દરમિયાન આવા એક પ્રકરણ - કેસમાં નખત્રણાની કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. જેમાં કચ્છના રાજવી કુટુંબના અંતિમ મહારાવ ત્રીજા પૃથ્વીરાજસિંહ જાડેજાનો 20 કરોડનો બદનક્ષીનો દાવો નખત્રાણા કોર્ટે ફગાવી દીધો છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાને મહારાવના કુંવર તરીકે ઓળખાવતા નલિયાના ઈન્દ્રજીતસિંહ જાડેજાનો ચાર કરોડનો માનહાનીનો દાવો પણ કોર્ટમાં ટક્યો ન હતો.
વર્ષ 2009માં કચ્છ રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ જાડેજા ઉર્ફે મહારાવ ત્રીજાએ નલિયાના જુવાનસિંહ જાડેજાના હાથમાં ચામર આપીને પત્રિવિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો. માતાના મઢ ખાતે આવેલા આશાપુરા મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ તેમને આવું કરતા અટકાવ્યા હતા. એટલે સમગ્ર મામલાને પોતાના માન-સન્માન સાથે જોડી મહારાવ ત્રીજાએ તેમની બદનક્ષી થઈ હોવાનું માનીને આશાપુરા મંદિરના મહંત સામે માનહાનીનો દાવો કર્યો હતો.
કચ્છ રોયલ ફેમિલીના પૃથ્વીરાજસિંહ જાડેજા, જે મહારાવ ત્રીજા તરીકે પણ ઓળખાય છે તેમણે તારીખ 26-09-2009ના રોજ માતાના મઢ ખાતે આવેલા મૉં આશાપુરા મંદિરમાં તેમના પ્રતિનિધિ નલિયાના જુવાનસિંહને પત્રિવિધિ કરતા અટકાવનારા મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી બાવા સહીત અન્ય લોકો વિરુદ્ધ તેમની માનહાની અંગેનો નખત્રણા કોર્ટમાં કેસ કર્યો હતો. વીસ કરોડની બદનક્ષીના આ કેસની સુનાવણી દરમિયાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું અવસાન થતા તેમના પત્ની પ્રિતિદેવી જે કચ્છના મહારાણી તરીકે પણ ઓળખાય છે તેઓ વારસદાર - પક્ષકાર તરીકે કેસમાં સામેલ થયા હતા. મહારાવ ત્રીજાની જેમ નલિયાના જુવાનસિંહ જાડેજાએ પણ સમગ્ર મુદ્દે તેમની આબરૂૂ ગઈ હોવાનું માનીને ચાર કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો.
તેમનું પણ કેસની દરમિયાન અવસાન થતા તેમના વારસ તરીકે તેમના દીકરા ઈંદ્રજિત જાડેજા પક્ષકાર તરીકે કેસમાં જોડાયા હતા. મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાના તરફથી આ સમગ્ર મામલાના કેસની પેરવી કચ્છના પૂર્વ ઉૠઙ અને સિનિયર એડવોકેટ યોગેશ ભાંડારકર તથા હનુવંતસિંહજી જાડેજા અને અન્ય વતી એડવોકેટ જે.કે.ઠક્કર કરી હતી. જેમાં બંને પક્ષની દલીલ રજૂઆતો અને આધાર પુરાવાને ધ્યાનમાં લઈને નખત્રાણાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના જજ સાહેબ દ્વારા મહારાવનો 20 કરોડ અને જુવાન સિંહનો 4 કરોડનો માનહાનીનો દાવો ફગાવી દીધો હતો.