કચ્છી બિઝનેસમેનનો અટલ સેતુ પરથી ઝંપલાવી આપઘાત
એક કાર્યક્રમમાં જાઉં છું કહી પગલું ભરી લીધું
માટુંગામાં રહેતા અને ચેમ્બુરમાં રેડીમેડ ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છી વિશા ઓસવાળ દેરાવાસી સમાજની અનેક સંસ્થાઓમાં સક્રિય રીતે સેવા આપનારા ફિલિપ હિતેનચંદ મોરારજી શાહ (દેઢિયા) (51) બુધવારે મુંબઈને નવી મુંબઈ સાથે જોડતા અટલ સેતુ પરથી સમુદ્રમાં કૂદકો મારીને આત્મહત્યા કરી હતી, જેને કારણે સમાજના આગેવાનો, મિત્ર વર્તુળ અને પરિવારજનોમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી.
ન્હાવા શેવા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી અંજુમ ભગવાને કહ્યું કે, માટુંગામાં, ભંડારકર રોડ, માટુંગા પોસ્ટ ઓફિસની સામે 14 / 356, રાજ નિકેતન ઈમારતમાં રહેતા ફિલિપભાઈ બુધવારે સવારે તેમની હોન્ડા કાર લઈને અટલ સેતુ પર આવ્યા હતા. સવારે 9.00 વાગ્યાની આસપાસ અટલ સેતુ પર કાર રોકી અને અરબી સમુદ્રમાં ભૂસકો માર્યો હતો. બચાવ કર્મચારીઓએ ભારે જહેમતને અંતે પનવેલના સમુદ્રમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો. પોલીસે કહ્યું કે અમને કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. ફિલિપભાઈ ઘરેથી નીકળીને અટલ સેતુ પર તેમની સફેદ રંગની કાર લઈને આવ્યા હતા. પુલ પર કાર લોક કરીને રાખીને સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. અમને આ અંગે માહિતી મળતાં તુરંત બચાવ કામગીરી હાથ ધરીને મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતદેહ પર પનવેલની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા પછી તે પરિવારજનોને સોંપી દેવાયો હતો.
કચ્છના માંડવી તાલુકાના નાની ખાખરના વતની અને માટુંગામાં રહેતા ફિલિપભાઈ પત્ની સેજલ અને બે દીકરા યુગ અને દેવ સાથે રહેતાં હતાં. સેજલબહેને પોલીસને આપેલા નિવેદન અનુસાર ફિલિપભાઈ ઘરેથી સવારે 8 વાગ્યે એક કાર્યક્રમમાં જવાનું છે કહીને નીકળ્યા હતા, જે પછી અમને આ સમાચાર મળ્યા. તેમની માનસિક સ્થિતિ બરોબર નહોતી, તેમની દવા પણ ચાલુ હતી. કચ્છી વિશા ઓસવાળ જૈન સમાજમાં ડાયનેમિક પર્સનાલિટિ ધરાવતા બિઝનેસમેને શા માટે અંતિમ પગલું ભર્યું તે વિશે તેમના નજીકના મિત્રો સ્તબ્ધ થઈ ગયા છે. ફિલિપભાઈ અનેક અગ્રગણ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા, જેમાં શહેરની મસ્જિદ બંદર દેરાવાસી મહાજનની પાલાગલી સ્કૂલના તેઓ ટ્રસ્ટી, લાયન્સ કલબના સક્રિય સભ્ય હતા.