કચ્છના આદિપુરથી સગીરાનું અપહરણ, પીછો કરનાર માતાની હત્યાનો પ્રયાસ
પોલીસની ટીમોએ ગણતરીની ક્લાકોમાં જ આરોપીઓને દબોચ્યા
આદિપુરના સિંધુ વર્ષા બુઢ્ઢાશ્રમ પાસેના સર્કલ નજીકથી ક્રેટા કારમાં આવેલા ઇસમે સગીરાનું અપહરણ કર્યા બાદ ભોગ બનનાર સગીરાની માતા અને ભાઇએ કારનો પીછો ભારતનગર સુધી કરી અપહરણકારને આંતર્યો અને સગીરાને છોડાવવાના પ્રયાસ કર્યા પણ અપહરણકારે સગીરાની માતાને મારી નાખવાના ઇરાદે 15 થી 20 ફુટ ઢસડી સગીરાનું અપહરણ કરી ભાગી ગયો હતો. આ ઘટનામાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો નો઼ધાયો હતો. સ્થાનિક પોલીસે આ ઘટનામાં તરત ચક્રો ગતિમાન કરી અપહરણકારને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરી લીધો હતો.
આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, બુધવારે રાત્રે આ ઘટના બની હતી જેમાં ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે વિગતો આપી હતી કે, ક્રેટા કારમાં આવેલો અમદાવાદના ચાંદખેડામાં રહેતા વૈભવ અમિત મકવાણાએ તેમની સગીર વયની દીકરીનું અપહરણ કર્યુ઼ હતું. તેમણે તથા તેમના દીકરાએ અપહરણકારનો પીછો કર્યો હતો. આદિપુરના સિંધુ વર્ષા બુઢ્ઢાશ્રમ પાસેના સર્કલથી ગાંધીધામના ભારતનગર સુધી અપહરણકારનો પીછો માતા-પુત્રએ કર્યો હતો.
ભારતનગર પાસે અપહરણકારની કારને આંતરી માતાએ પથ્થર વડે કારના કાચ તોડી દિકરીને છોડાવવા પ્રયાસ કર્યો હતો પણ અપહરણકાર વેભવે સગીરાની માતાને મારી નાખવાના ઇરાદે કાર ચલાવી 15 થી 20 ફૂટ સુધી ઢસડી સગીરાને લઇ નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદની ગંભીરતા જાણી આદિપુર પીઆઇ ડી.જી.પટેલે અપહરણકારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન બાતમીના આધારે સગીરાની માતાની હત્યાનો પ્રયાસ કરી સગીરાનું અપહરણ કરનાર આરોપી વૈભવને ગણતરીના કલાકોમાં રાઉન્ડઅપ કરી લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.