વાગડમાં ખૂન કા બદલા ખૂન: ધોળે દિવસે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
રાપરનાં ત્રંબૌ ચોકડી રિલાયન્સ પેટ્રોલ પમ્પ સામે દુકાન આગળ 24 વર્ષ અગાઉ થયેલી હત્યાના બનાવની અદાવત રાખી એક શખ્સે ગુલામ રસુલ પ્રાગજી સમા નામના યુવાનને છરીના ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી નિર્મમ રીતે હત્યા નીપજાવી હતી. બનાવ અંગે છ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. નંદાસર ગામમાં રહેતા ચાંદાજી પ્રાગજી સમા અને તેમના કાકા બાપુજી માનસંગજી સમાનો જીવાજી કેણજી સમા, ચાંદાજી કેણજી સમા સાથે વર્ષ 2000માં ઝઘડો થયો હતો, જેમાં ચાંદાજીનું મોત થયું હતું. બનાવ અંગે જે-તે વખતે ચાંદાજી, બાપુજી સમા, પ્રાગજી માનસંગજી સમા, રવાજી વિશાજી સમા, ખાનજી વિશાજી સમા, સુમરારાજી વિશાજી સમા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી નિર્દોષ છૂટયા હતા, જે બનાવનો વેરભાવ રાખી સાહેબજી કેણજી સમા, જામાજી કેણજી સમા, અનિલ સાહેબજી સમા, જીવાજી કેણજી સમા, રાજુજી પથુજી સમા અને ફિરોઝ મોડજી સમા ફરિયાદી ચાંદાજી તથા અન્ય લોકો એકલા મળે ત્યારે ઝઘડો કરતા હતા. ચાર-પાંચ દિવસ પહેલાં રમજાન હમીરજી સમાએ આ લોકો તમને કે તમારા કુટુંબના માણસોને મારવા ભેગા થઇ કાવતરું ઘડે છે.
ચેતીને રહેજો, તેવી વાત પણ કરી હતી. દરમ્યાન આજે રાપરના ત્રંબૌ ચોકડી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલી ઇશાજી કાળુજી વાળંદની દુકાનના ઓટલા ઉપર ગુલામ રસુલ બેઠો હતો, ત્યારે પાછળથી ફિરોઝ મોડજી સમાએ આવી પીઠના ભાગે છરી ઝીંકી દીધી હતી, તેવામાં ગુલામ નીચે પડી જતાં તેની છાતીમાં ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને હાથ તથા હથેળીમાં પણ ખુન્નસપૂર્વક ઘા ઝીંકાયા હતા. હુમલાના આ બનાવ બાદ લોકો એકઠા થતાં આરોપી છરી લઇને નાસી ગયો હતો. બનાવ અંગે ફરિયાદી ચાંદાજીને જાણ થતાં તે અહીં દોડી આવ્યા હતા અને પોતાના ભાઇને સારવાર અર્થે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસમાં દોડધામ થઇ પડી હતી. ગઇકાલે ભુજના અવધનગરમાં યુવાનની હત્યા બાદ આજે વધુ એક યુવાનની હત્યાના પગલે ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ફિરોઝ, સાહેબજી, અનિલ, જામાજી, જીવાજી તથા રાજુજી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. દરમ્યાન એકાદ આરોપીને રાઉન્ડ-અપ કરી લેવાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગરમ તાસીર ધરાવતા વાગડમાં ખૂન કા બદલા ખૂનની ઘટનામાં ત્રણ જણનાં ઢીમ ઢાળી દેવાયાં હતાં.