મુંદ્રામાં પીધેલી હાલતમાં પેટ્રોલિંગમાં ગયેલા બે વનકર્મીને ગ્રામજનોએ ઢીબી નાખ્યા
મુન્દ્રા પંથકમાં રેતીચોરીની અસંખ્ય ફરિયાદો બાદ એક અવનવો કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો હતો.જેમાં ચાલુ કારમાં મદિરાનું સેવન કર્યા બાદ રસ્તા પર સંઘર્ષમાં ઉતરેલા બે વનકર્મીઓને લોકોએ ઢીબી નાખ્યા હતા.
ધ્રબ ગામમાં રહેતા અબ્દુલકાદર જુસબ તુર્કએ મુન્દ્રા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ બનાવ તા.3/9 ની સાંજે 6.30 વાગ્યાના અરસામાં ધ્રબ સ્થિત કમંઢપુર શાળા નજીક આવેલા પોતાના ઘર નજીક બન્યો હતો.ફરિયાદીના ઘર પાસે કાર ઉભી રાખી તેમાંથી ઉતરી વનરક્ષક રતન ગઢવી અને વનપાલ નવીન ચૌધરીએ નશાની હાલતમાં ગાળગલોચ કરી લાકડી વડે માર માર્યો હતો.
આ દરમ્યાન વાડીમાંથી અન્ય લોકો આવી જતા વધુ મારમાંથી બચાવ્યા હતા.પોલીસને જાણ કરતા પહોંચી આવી હતી.ગામલોકો દ્વારા બંને વન કર્મચારી નવીન ચેલાભાઈ (બનાસકાંઠા) અને રતન હમીરભાઇ મધુડા (મોટા ભાડીયા)નો કબજો પોલીસને સોપાયો હતો.બંને નશાની હાલતમાં લથડીયા ખાતા હતા તેમજ આઈ-20 ગાડી નંબર જીજે 08 બીએન 4631માં વ્હિસ્કીની બોટલ મળી આવી હતી.જેથી વન કર્મચારીઓ સામે કુલ 4 ફરિયાદ દાખલ કરાઇ હતી.દરમ્યાન નશાની હાલતમાં બંન્ને કર્મચારી ઝૂલતા હોવા ઉપરાંત તેમની કારમાં દારૂૂની બોટલ હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.પોલીસે ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે. દરમ્યાન આ પ્રકરણમાં વળતી ફરિયાદ થઈ છે.
જંગલખાતામાં વનપાલ તરીકે ફરજ બજાવતા નવીનભાઈ ચેલાભાઇ ચૌધરી (ઉ.વ.35 રહે કમલમ સોસાયટી મુન્દ્રા મુળ વડાગાંઠ-બનાસકાંઠા)એ ફરિયાદમાં જણાવ્યું કે, પોતે વનરક્ષક સાથે ધ્રબ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અગાઉ રેતી ચોરી પકડી પાડ્યાનું મનદુ:ખ રાખી તેમને ઈરફાન અબ્દુલકાદર તુર્ક (રહે ધ્રબ)તથા તેની સાથે રહેલ બ્લુ તથા સફેદ કલરનું ટીશર્ટ પહેરેલ તેમજ અન્ય 30 વર્ષીય ઈસમ ઉપરાંત એક 50 વર્ષના આધેડ સહિત કુલ્લ ચાર જણે એક સંપ કરી લાકડીઓ ફટકારી નાકના ભાગે ઇજા પહોંચાડી હતી.