લખતરના ઇંગરોડી ગામે ગુજસીટોકના આરોપીનું પોલીસ ઉપર ફાયરિંગ-ઝપાઝપી
લખતર તાલુકાના ઇંગરોડી ગામે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે ગુજસીટોકના ગુનામાં પેરોલ જંપ કરેલ 2 આરોપીને પકડવા ગઈ હતી. તે સમયે પોલીસ અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ હોવાની માહિતી સામે આવી છે. જેમાં પીએસઆઇ ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓને દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જો કે, ઇજાગ્રસ્ત થયા બાદ પણ આરોપીઓને પકડી લીધા હતા. આ દરમિયાન આરોપી તરફથી પોલીસ પર ફાયરિંગ થયું હતું.
લખતર તાલુકાના ઇંગરોડી ગામે ગુજસીટોકના ગુનામાં પેરોલ જંપ કરેલ ફિરોજઅલી મલેક તથા સરીફ અલારખા ડફેર હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ, બજાણા પી.એસ.આઇ. આર.એચ.ઝાલા તથા ટીમ ઇંગરોડી પહોંચી હતી.
આ દરમિયાન પોલીસની ટીમ ઉપર હુમલાનો બનાવ પણ સામે આવ્યો હતો. જેમાં પીએસઆઇ આર.એચ. ઝાલાને ઇજા પહોંચતા લખતર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સુરેન્દ્રનગર દવાખાને પણ લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસે હુમલો થયો હોવા છતાં બંને આરોપીને દબોચી લીધા હતા. આ દરમિયાન આરોપી તરફથી ફાયરિંગ થયું હતું. બનાવની ગંભીરતાને લઇને જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા પોલીસ વડા એચ.પી.દોશી, એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળ્યા હોય તેમ ગુનેગારો અને પોલીસ વચ્ચે અવાર નવાર ઘર્ષણ થાય છે. ખંડણી, હત્યા, લુંટ જેવા ગંભીર અપરાધો સતત વધી રહ્યા છે.