કચ્છના વાંઢ ગામે જમીન વિવાદમાં જૂથ અથડામણ, આધેડની હત્યા
તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે સામસામી મારામારી, 31 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો
અબડાસા તાલુકાના બાઈવારી વાંઢમાં રવિવારે બે પરિવારના સભ્યો વચ્ચે તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે ધિંગાણું થયું હતું જેમાં માથાના ભાગે તલવારનો ઘા વાગતા સારવાર દરમિયાન આધેડનું મોત થતા સમગ્ર મામલો હત્યાના બનાવમાં ફેરવાયો છે. અગાઉ ચાલતા જમીનના વિવાદ વચ્ચે પાણીની મોટર ચાલુ કરવા માટે થયેલી બોલાચાલી અને બાઈક પર સીનસપાટા બાદ મામલો ઉગ્ર થતા લોહિયાળ બનાવ બન્યો હતો, જેમાં સામસામે 31 આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે.
રવિવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બાઈવારી વાંઢમાં બે પરિવારના સભ્યો સામ સામે આવી ગયા હતા અને ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં મંગળવારે 50 વર્ષીય ભેગમામદ હાજીઆમદ જતનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજતા મામલો હત્યામાં ફેરવાયો છે. હતભાગી આધેડને આરોપી આમદ નીઝામુદીન જતે માથાના ભાગે તલવારનો ઘા માર્યો હતો. જે બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે નલિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચ.એમ.વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પાણીની મોટર ચાલુ કરવા બાબતે બન્ને પરિવારની મહિલાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ અગાઉ ચાલતા જમીનના વિવાદને લઇ મામલો ઉગ્ર બન્યો હતો.
હાલ પોલીસે મુખ્ય આરોપી આમદ નીઝામુદીન જતની અટકાયત કરી લીધી છે જયારે અન્ય આરોપીઓ સારવાર તળે હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં ફરિયાદી સુલેમાન ભેગમામદ જતે આરોપી આમદ નીઝામુદીન જત, નીઝામદીન હાજીનેકમામદ જત, અનસ અબ્દુલકરીમ જત, મજીદ રમજાન જત, અભુભખર તાજમામદ જત, અશરફ કામલ જત, અજીજ સુમાર જત, રમજાન હાજીનેકમામદ જત, ઇજતબાઈ મજીદ જત, સમાબાઈ અનસ જત, સકીનાબાઈ રહેમતુલ્લા જત, સાફિના જમાન જત અને જકરીયા નીઝામુદીન જત સામે ગુનો નોધાવ્યો છે.
જ્યારે સામા પક્ષે ફરિયાદી અભુભખર તાજમામદ જતે આરોપી હમજા ખમુ જત, જબ્બાર સાલે જત, રસીદ સાલે જત, લતીફ સાલે જત, ઇકબાલ રસીદ, ઈબ્રાહીમ કરીમ જત, હયાત કરીમ જત, રઉફ હલીમ જત, સુલેમાન ભેગમામદ જત, દીનમામદ હલીમ જત, હલીમ હાજીનેકમામદ જત, સન્નાઉલ્લા નુરમામદ જત, હાસમ સમદ જત, અમીનાબાઈ દીનમામદ જત, ભચાઈબાઈ હયાત જત, રજીનાબાઈ મુસ્તાક જત, નાયમાબાઈ રઉફ જત અને જેમબબાઈ સુલેમાન જત સામે ગુનો નોધાવ્યો છે.