કચ્છમાં સપ્તાહમાં ચોથો હત્યાનો બનાવ, મુન્દ્રામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું
આરોપી પકડાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે, પોલીસે તપાસ શરૂ કરી
ઔદ્યોગિક નગરી મુંદરામાં પરપ્રાંતીયો રોજગારી માટે આવે છે. આ રીતે જ ઝારખંડથી રોજગારી માટે આવેલા 20 વર્ષીય યુવક ઓમચંદ્ર રથુ માંજીની બોથડ પદાર્થથી હત્યા થતાં ચકચાર પ્રસરી છે. પોલીસે બે શકમંદોને ઉપાડી પૂછતાછ આદરી છે. કચ્છમાં સપ્તાહ દરમ્યાન હત્યાનો આ ચોથો બનાવ સામે આવ્યો છે. વિગતો મુજબ વીર માણશી સર્કલથી બોરાણા જતા રસ્તા પર આવેલા કૂવા નજીક સવારે 10 વાગ્યા આસપાસ યુવાનની લાશ દેખાતાં પોલીસને જાણ કરાઇ હતી.
મુંદરા પોલીસ મથકના પી.આઇ. આર. જે. ઠુમ્મર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની લાશને પી.એમ. માટે હોસ્પિટલ લઇ જઇ યુવકની ઓળખ સહિતની છાનબીન આદરી હતી. આ હત્યા પ્રકરણના તપાસકર્તા પી.આઇ. ઠુમ્મરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, મૃતક ઓમચંદ્ર રથુ માંજી અગાઉ મુંદરામાં કામ કરતો હતો. ત્રણેક માસ પૂર્વે તે પરત વતન ઝારખંડ ચાલ્યો ગયો હતો અને 30મીના પરત આવ્યો હતો. આજે તેની લાશ મળી હતી. આંગળીમાં તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાના નિશાન છે, પરંતુ કાન અને નાકમાંથી લોહી નીકળતાં તેનું મૃત્યુ થયું છે. આમ કોઇ બોથડ પદાર્થથી તેનું ઢીમ ઢળાયાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું હોવાનું ઠુમ્મરે ઉમેરી બે શકમંદોને પૂછતાછ માટે બોલાવ્યા છે અને તપાસ જારી હોવાનું જણાવ્યું છે.