કચ્છના કોંગી અગ્રણીને માર મારવાના 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માને સજા
કચ્છના વિવિધ જમીન કૌભાંડ સબબ લાંબા સમયથી જેલમાં રહેલા સસ્પેન્ડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માના ભાઇ અને કચ્છના તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માને 40 વર્ષ જુના કોંગી અગ્રણીને માર મારવાના કેસમાં સ્થાનીક કોર્ટે ત્રણ માસની સજા અને દંડ ફટકાર્યો છે.
કચ્છ કોગ્રેસના અગ્રણી મરહુમ મંધરા અબદુલ્લા હાજી ઈબ્રાહિમને આજથી 40 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસ વડાની કચેરીમા મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસનો આજે (10 ફેબ્રુઆરીએ) ભુજ સેસન્સ કોર્ટમાં ચુકાદો આવી જતા કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડાને દોષી જાહેર કરી કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો છે.
આ કેસની હકીકત મુજબ એવી છે કે, અબડાસાના મંધરા અબદુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા શેઠ નલીયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોંવિંદજી જોષી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા.
એ દરમિયાન જે તે વખતના એસપી કુલદિપ શર્માએ તેમનું અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી માર મરાયાનો આક્ષેપ કરાયો હતો અને આ બાબતે જે તે વખતે ઈભલા શેઠને ઇજા પહોંચી હોઈ તેમની સાથે ડેલીગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના એડવોકેટ એમ.બી. સરદારને રોકી ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં એસપી સહિત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી. જે દરમિયાન બે આરોપી બી.એન. ચૌહાણ તથા પી.એસ. બિશ્નોઇના ચાલુ કેસે મૃત્યુ નિપજયા હતા જયારે બે સામેનો ચુકાદો આવ્યો હતો.
સરકારી કચેરીમાં તત્કાલીન ઉચ્ચ અધિકારી અને પોલીસ કર્મીઓએ દ્વારા માર મારવા અને અપમાનિત કરવાના કેસમાં લાંબી લડત બાદ આખરે ભુજની સેસન્સ કોર્ટમાં ચુકાદો આવતા આ કેસના ફરિયાદી મરહુમ ઇભલા શેઠના પુત્ર ઇકબાલ મધરાએ કોર્ટ પરિસરમાં ન્યાયકોર્ટના આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે 40 વર્ષ જુના કેસમાં ખૂબ લાંબી કોર્ટ પ્રક્રિયાના અંતે આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા તેનાથી સંતોષ થયો છે.