નખત્રાણાના વિગોડી ગામે કામ કરવા મામલે પથ્થર ઝીંકી પુત્રના હાથે પિતાની હત્યા
હત્યા કરનાર આરોપીને સકંજામાં લેવા તજવીજ
નખત્રાણા તાલુકાના વિગોડી ગામે પુત્રએ પિતાની હત્યા કરી હતી. જે બાદ પુત્ર નાસી ગયો હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. પિતાએ પુત્રને કામ ધંધો કરવા અંગે જણાવતા પુત્રએ આ વાતનું મન દુ:ખ રાખી પિતાની માથાના ભાગે પથ્થરોના ઘા મારી હત્યા કરી દીધી હતી.
આ અંગે નખત્રાણા પીઆઈ અશોક મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે પિતા-પુત્ર વચ્ચે કામકાજને લઈ બબાલ થઈ હતી. પિતાએ દીકરાને કંઈક નોકરી ધંધો કરવા કહ્યું હતું. આ વાતનું મનદુ:ખ રાખી પુત્ર સાંજે જમ્યા વિના બહાર જતો રહ્યો હતો. દરમિયાન હતભાગી જમીને ઘરના આંગણામાં સુતા હતા, ત્યારે રાત્રિના 8:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધીમાં પુત્રએ પિતાની હત્યા કરી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વિગોડી મફતનગરમાં રહેતા ફકીર મહંમદ આમદ નોડે (ઊ.વ 70) ગઈ રાત્રે જમીને સુતા હતા. તે દરમિયાન તેમના પુત્રએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ ફરાર થઈ ગયો હતો. આરોપી એવા પુત્ર અબુભકર ફકીર મામદ નોડેએ આ હત્યા પિતાએ આપેલા ઠપકા અન્યવે કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી અબુભકર ફકીર મામદ નોડે પણ ચાર પુત્રનો પિતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નખત્રાણા તાલુકાના કા દિયા ગામે પુત્રએ માતાની હત્યા કરી હતી. આ જ પ્રકારનો બનાવ આજે વિગોડી ગામે બન્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
કચ્છમાં હત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ભુજ તાલુકાના સામત્રા ગામે પત્નીએ પૈસા બાબતે પતિને જીવતો સળગાવી દીધો હતો. આ બનાવમાં ઘાયલ પ્રૌઢનું સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મૃત્યુ થતાં પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી મહિલા આરોપીની ધરપકડ કરી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો