કચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા
માંડવી તાલુકાના પદમપુરની વાડીમાં ગઈકાલે તીક્ષ્ણ ઘા સાથે શંકાસ્પદ હાલતમાં પંચમહાલ બાજુના 40 વર્ષીય ખેતમજૂર વિક્રમ ભૂરસિંગભાઈ રાઠવાની લાશ મળી હતી. આ ચકચારી બનાવમાં સાથે જ ખેતમજૂરી કરતા અને સાથે જ રહેતા પંચમહાલ બાજુના જ સંજય નાનજી નાયકે ખાટલામાં સૂવા મુદ્દે વિક્રમ સાથે ઝઘડો કરી મૂઢમાર તથા તીક્ષ્ણ હથિયારથી ઘા મારી તેની કરપીણ હત્યા કરી હોવાનો ગુનો દાખલ થયો છે.
આ અંગે ગઢશીશા પોલીસ મથકે આજે મૃતક વિક્રમના ભાઈ વિજયભાઈ ભૂરસિંગ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીને ગત તા. 16/8ના અંદાજે સાંજે સાડા છ વાગ્યે મૃતક ભાઈ વિક્રમનો ફોન આવ્યો હતો અને કહ્યું કે મારી સાથે રહેતો સંજય નાનજી નાયક (રહે. ઉજેતી, તા. હાલોલ, જિ. પંચમહાલ વાળો) ખાટલામાં સૂવા બાબતે મારી સાથે અવારનવાર ઝઘડો કરે છે અને અત્યારે પણ બોલાચાલી ચાલુ છે એટલું કહી ફોન કપાઈ ગયો હતો અને બાદમાં બીજા દિવસે વિક્રમનાં મૃત્યુના સમાચાર મળ્યા હતા.
પિતાને આ અંગે વાત કરતાં તેમણે પણ કહ્યું કે, વિક્રમના દીકરા અશ્વિનને પણ અગાઉ વિક્રમે ફોન કર્યો હતો ત્યારે પણ સંજય સૂવા બાબતે ઝઘડો કરતો હોવાનું કહ્યું હતું. વિક્રમની લાશ જોતાં જમણા હોઠ બાજુ તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન હતા. આંખમાં, માથામાં, કાન પાછળ ઈજા હતી. શરીરે નાના-મોટા ઘા તથા છાતી અને પાંસળી અને જડબાના ભાગે અસ્થિભંગની ગંભીર ઈજા હતી. આમ ખાટલામાં સૂવા બાબતે વિક્રમને સંજય આવી ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા નીપજાવ્યાનું ફરિયાદમાં લખાવાયું છે.