કચ્છના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકાથી ભય
સરહદી જિલ્લા કચ્છના વાગડ વિસ્તારના ભચાઉમાં રાત્રે 1:11 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ગત રાત્રે 1:11 કલાકે વાગડ વિસ્તારના ભચાઉ પાસે 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. તો હાલમાં જ 26 જાન્યુઆરીના આવેલા ગોઝારા ભૂકંપને 24 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ફરી એકવાર આંચકો આવતા લોકોની વર્ષ 2001ના ભૂકંપની યાદ તાજી થઈ હતી.
વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. રાત્રે 1:11 કલાકે 2.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ભચાઉથી 14 કિલોમીટર દૂર નોર્થ, નોર્થ - ઇસ્ટ બાજુ નોંધાયો છે.