કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ
કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. ત્યારે ફરી એકવાર ધોળાવીરા નજીક ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ છે. ધોળાવીરાથી 26 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, આજે સવા રે7.20 કલાકે ધોળાવીરાથી ૨૬ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપનો આંચકો ઉદભવ્યો હતો. આ ભૂકંપની વિશેષ અસર કેન્દ્રબિંદુ આસપાસના અમરાપર, ગણેશપુર, બાંભણકા,વેરસર, લોદ્રાણી,બાલાસર સહિતના ગામોમાં તેમજ પાકિસ્તાનના સિંધ પ્રાંત સુધી જણાઇ હતી.
સ્થાનિક લોકોને આ આંચકાની કોઈ અસર જણાઈ નથી. પરંતુ ચિંતાની વાત એ છે કે છેલ્લા એક મહિનામાં આ 9મો આંચકો નોંધાયો છે. ભૂકંપ ઝોનના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા કચ્છ જિલ્લાના ભૂગર્ભમાં છેલ્લા એક મહિનાથી સળવળાટની ગતિવિધિ તેજ બની છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકાઓથી ભૂગર્ભમાં રહેલી ઊર્જા બહાર નીકળી જાય છે. આથી મોટા ભૂકંપની શક્યતા ઓછી થઈ જાય છે.