કચ્છના ભચાઉ અને રાપરમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકા
કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકામાં આજે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાત મિનિટના ટૂંકા ગાળામાં આવેલા આ બે આંચકાઓને કારણે લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા મુજબ સૌપ્રથમ આંચકો રાત્રે 10:12 વાગ્યે ભચાઉમાં નોંધાયો હતો.
જેની તીવ્રતા 3.4 મેગ્નિટ્યુડની હતી અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 16 કિલોમીટર દૂર હતું.
ત્યારબાદ તેનાથી માત્ર સાત મિનિટ બાદ રાત્રે 10:19 વાગ્યે રાપરમાં બીજો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા 2.7 મેગ્નિટ્યુડની હતી અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર હતું. આ આંચકાઓથી કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયાના અહેવાલો નથી.
પરંતુ સતત ભૂકંપના આંચકા અનુભવાતા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ભચાઉ અને રાપર બંને ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં આવેલા છે. જેના કારણે ભૂકંપના હળવા આંચકા પણ લોકોમાં ભારે ગભરાટ પેદા કરે છે. ભૂકંપ બાદ ઘણા લોકો પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં ભેગા થયા હતા. ભૂકંપના આંચકાની ચિંતાને કારણે કેટલાક લોકોએ રાત્રે ઘરની બહાર રહેવાનું પસંદ કર્યું હતું. જોકે તંત્ર દ્વારા લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.