કચ્છમાં મોડીરાત્રે 4ની તિવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટનો માહોલ
ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું. સદનસીબે, આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. ત્રણ દિવસમાં કચ્છમાં આવેલો આ ત્રીજો ભૂકંપ છે.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિઝમોલોજિકલ રિસર્ચ (ઈંજછ) અનુસાર, કચ્છમાં આ ભૂકંપની તીવ્રતા મધ્યમ હતી, અને તેની ઊંડાઈ લગભગ 10-20 કિલોમીટરની હોવાનું અનુમાન છે. આ પહેલાં, 17 જુલાઈ, 2025ના રોજ બે ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી, અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર હતું. આ સતત ભૂકંપની ઘટનાઓએ સ્થાનિક વહીવટને સતર્ક કરી દીધો છે.
ભૂકંપનો આંચકો રાત્રે 09:47:59 ઈંજઝ વાગ્યે અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ 23.732 અક્ષાંશ અને 69.879 રેખાંશ પર, ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વ (ઊજઊ) દિશામાં નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવા છતાં, કચ્છનો ભૂકંપનો ઇતિહાસ જોતા સ્થાનિકોમાં એક પ્રકારનો ભય જોવા મળ્યો હતો. આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.