કચ્છમાં જમાઇના હાથે કાકાજી સસરાની હત્યા
પૂર્વ કચ્છમાં ચોરી-લૂંટ-હત્યા સહિતના બનાવો દિવસો દિવસ વધી રહ્યા છે, તેવામાં ગાંધીધામ તાલુકાના ભારાપરની ખાનગી કંપનીની વસાહતમાં બે શ્રમિક વચ્ચે કોઇ મુદ્દે ડખો થતાં ગોપન પડુ બગદી (ઉ.વ. 46) નામના યુવાનને હથોડી મારી તેની હત્યા નીપજાવી એક શખ્સ નાસી ગયો હતો. ભારાપર નજીક આવેલી સાલ સ્ટીલ નામની કંપનીમાં ડબલ્યુ.આર.એમ. નામની વસાહતમાં ગઇકાલે સાંજે હત્યાનો આ બનાવ બન્યો હતો. આ વસાહતના રૂમ નંબર 91માં ગોપન તથા આરોપી વિનોદ બવરી રહેતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં સાથે રહી આ બંને કંપનીમાં મજૂરીકામ કરી રહ્યા હતા.
તેમજ આરોપી વિનોદ આ ગોપનનો સંબંધમાં કાકા સસરો થાય છે. ગઇકાલે સાંજે આ બંને વચ્ચે કોઇ?મુદ્દે બબાલ થઇ હતી, જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ હથોડી ઉપાડીને પોતાના કૌટુંબિક જમાઇના માથામાં કાનની ડાબી બાજુ પાછળના ભાગે થતા કપાળમાં ઝીંકી દીધી હતી જેમાં આ યુવાન ફસડાઇને નીચે પડયો હતો. મારામારીનો આ બનાવ બનતાં આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને ઘવાયેલા યુવાનને લોહી નિંગળતી હાલતમાં સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવ અંગે કંડલા પી.આઇ. એ. એમ. વાડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બંને શ્રમિક ગઇકાલે સાથે બેઠા હતા અને કોઇ?મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા શખ્સે હથોડી મારી યુવાનની હત્યા નીપજાવી હતી. પ્રકરણમાં પોલીસે તપાસ હાથ?ધરી આરોપીને પકડી પાડયા હતા અને હથોડી વગેરે કબજે લીધા હતા. હત્યાના આ બનાવ અંગે મનોજ કિશોર મીટેએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ કચ્છમાં વધુ એક હત્યાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.