For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદ

11:52 AM Apr 15, 2025 IST | Bhumika
આઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદ

આઠેક માસ પૂર્વે તા.7/8/24ના સરહદી વિસ્તાર કુરનના બસ સ્ટેશન પાસેથી બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ઈસમને ઝડપ્યો હતો. તેની પાસેથી આધારકાર્ડ મળ્યું હતું જે અંગે તપાસ થતાં તે નકલી હોવાનું સામે આવ્યું હતું અને આ શખ્સ બાંગલાદેશી હતો જે પ્રવાસી વિઝા લઈ ભારતમાં પ્રવેશી દિલ્હીના શખ્સ પાસેથી નકલી આધારકાર્ડ બનાવ્યાનું બહાર આવતાં સુરક્ષા એજન્સીઓને દોડતી કરતાં આ બનાવ અંગે બન્ને આરોપી વિરુદ્ધ આજે ખાવડા પોલીસ મથકે વિધિવત ફરિયાદ દાખલ કરાવાઈ છે. કચ્છના સરહદી વિસ્તાર કુરન સુધી આવી ચડેલા આ શંકાસ્પદ ઈસમ ઝડપાયા બાદ તપાસના અંતે આજે ખાવડા પોલીસ મથકે એસઓજીના પીઆઈ એમ. કે. ગઢવીએ નોંધાવેલી ફરિયાદની સિલસિલાવાર વિગતો મુજબ તા.7/8ના બાતમીના આધારે ખાવડા પોલીસે કુરનના બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ રીતે 35 વર્ષીય શખ્સ મહંમદુલ્લા મોહંમદ અતિયાર રહમાન ખાન (રહે. જૂની દિલ્હી)ને ઝડપી તેની અહીં હાજરી અંગે કોઈ સંતોષકારક જવાબ ન આપતાં પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં તે બાંગલાદેશનો હોવાનું જણાવ્યું હતું. આ શખ્સની બેગ તપાસતાં તેમાં બે મોબાઈલ, ટ્રેન-બસ ટિકિટ, એટીએમ, બાંગલાદેશી ટકા, અમેરિકન ડોલર તથા ભારત સરકારનું આધારકાર્ડ જેમાં આરોપીનો ફોટો હતો તે મળ્યા હતા. ફોન તપાસતાં ડેટા ડિલિટ થયેલા હતા. અહીં પોતે હેરોઈન લેવા આવ્યો હોવાનું જણાવી ગોળ-ગોળ વાતો કરતો હતો. એટીએસ અને એસઓજીની સઘન પૂછતાછમાં તેણે હેરોઈનની દાણચોરી અંગે કહેલી વાતોની ખરાઈ કરતાં તે ખોટી નીકળી હતી. આરોપી મહંમદુલ્લા ખાન (રહે. બાંગલાદેશ)એ પાસપોર્ટથી ભારતીય ટૂરિસ્ટ વિઝા મેળવી ભારતમાં આવ્યો હતો. દિલ્હીના પોતાના જાણીતા સંજીવ ગંભીરની મદદથી અજાણ્યા દુકાનદાર પાસેથી બનાવટી આધારકાર્ડ બનાવ્યાની કેફિયત આપી છે. પરવાનગી વિના સરહદી પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી પેતે બાંગલાદેશી હોવા છતાં ભારતમાં ગેરકાયદે વસવાટ કરવા અથવા પોતાના આર્થિક ફાયદા અર્થે બનાવટી આધારકાર્ડ બનાવી અને તેની મદદ કરનાર સંજીવ ગંભીર વિરુદ્ધ ખાવડા પોલીસે ખોટા દસ્તાવેજો તથા વિદેશી સંબંધી અધિનિયમ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement