અંજારમાં CISF જવાનના પિતાની હત્યા
બુકાનીધારીએ લૂંટના ઇરાદે હત્યાને અંજામ આપ્યો હોવાની શંકા
અંજાર તાલુકાના વરસામેડીમાં અરિહંત નગર વિસ્તારમાં પોતાની ઓરડીમાં સૂઇ રહેલા મૂળ બિહારના શંભુરામ આશિષરામ (ઉ.વ.50) ઉપર બુકાનીધારી અજાણ્યા શખ્સે પથ્થર જેવા પદાર્થ વડે હુમલો કરી તેમની હત્યા નીપજાવી હતી. પૂર્વ કચ્છમાં ગઇકાલે ગાંધીધામમાં યુવાનની હત્યાના બનાવ બાદ વધુ એક હત્યાનો બનાવ બનતાં ભારે ચકચાર પ્રસરી છે. વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં બગીચાની સારસંભાળની નોકરી કરનાર શંભુરામ નામના આધેડ નજીક જ આવેલા અરિહંત નગર વિસ્તારમાં એક ઓરડીમાં ટુનટુન પ્રસાદ નામના વ્યક્તિ સાથે રહેતા હતા. અહીં આવેલી પાંચેક ઓરડી પૈકી એક ઓરડીમાં આ બંને મિત્રો રહેતા હતા. જુદી જુદી જગ્યાએ નોકરી કરતા આ બંને ગઇકાલે સાંજે કામથી પરત આવ્યા બાદ વાળુ કરીને રાત્રે સૂઇ ગયા હતા.
ઓરડી ખુલ્લી રાખીને આ બંને સૂતા હતા ત્યારે અજાણ્યો બુકાનીધારી શખ્સ તેમની ઓરડીમાં અંદર ઘૂસ્યો હતો અને શંભુરામ સાથે મારામારી કરી હતી. મારામારીનો અવાજ થતાં બાજુમાં સૂઇ રહેલ ટુનટુન પણ ઊઠી ગયો હતો. તેવામાં બુકાનીધારી અજાણ્યા શખ્સે આધેડ એવા શંભુરામની આંખ ઉપર, માથાંમાં પથ્થર જેવા પદાર્થનો ઘા ઝીંકી દીધો હતો અને નાસી ગયો હતો. 10 વર્ષ ઉપરાંતથી કચ્છમાં રહી પેટિયું રળતા આ આધેડનો દીકરો હાલમાં સીઆઇએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો છે.
ત્રણ સંતાનના પિતા એવા આ આધેડને લોહી નિંગળતી હાલતમાં પ્રથમ સ્થાનિક બાદમાં અંજાર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં આ આધેડે છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે મૃતક આધેડના નાના ભાઇ એવા અંજારમાં રહેતા કિશોરરામ આશિષરામએ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક જ ઘામાં આધેડમાં લોહી વધુ પ્રમાણમાં નીકળી જતાં તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. આ આધેડ શ્રમિક રહેતા હતા ત્યાં આસપાસમાં પાંચેક ઓરડીઓ આવેલી છે.
જેમાં રહેતા લોકોની તેમજ શ્રમિક સાથે કામ કરનાર તથા તેની સાથે રહેનાર લોકોની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ઓરડીમાં ઘૂસેલા આ શખ્સે ચોરી, લૂંટ માટે બનાવને અંજામ આપ્યો હશે કે પછી જૂની અદાવત કે અન્ય કોઇ બાબતે આધેડનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.