એક લાખના ચાર લાખ કરવાની લાલચ આપી 11 લાખની ઠગાઈ
ભુજની ટોળકીએ બેંગલોરના વેપારીને શીશામાં ઉતાર્યો
ફેસબુકમાં આઈડી બનાવી એક લાખના ચાર લાખ કરી આપવાની લલચામણી જાહેરાતમાં ફસાવી ભુજના મનીષ પટેલ, સૌરભ પટેલ, ભાવેશ પટેલ, સમીર પટેલ અને અજાણ્યા ઈસમે વિશ્વાસ કેળવી મૂળ બેંગ્લોરના વેપારી સુહેલ જાબીર અહેમદ વારસી પાસેથી ટૂકડે-ટૂકડે કુલ રૂૂા. 11.09 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.
પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદીએ ફેસબુકના માધ્યમથી મનીષ પટેલનો સંપર્ક કરી એક લાખના ચાર લાખની જાહેરાત અંગે પૂછતાં આરોપીએ વિશ્વાસ કેળવ્યો હતો.
બાદમાં તેણે વેપારીને ભુજ આવવા જણાવ્યું હતું. સુહેલ વારસીએ ભુજ આવી જાહેરાત બાબતે ખરાઈ કરી હતી અને પરત ફર્યા હતા. બાદમાં ભુજ આવી મનીષને ફોન કરી ત્રણ લાખના 12 લાખ કરી આપવા જણાવ્યું હતું અને આરોપીએ જણાવેલા એકાઉન્ટમાં નાણાં મોકલાવ્યા હતા.
આ રીતે ત્રણ લાખ પરત મેળવવા અવારનવાર ફોન કરતાં મનીષે જુદા-જુદા બહાના તળે અન્ય આરોપીઓ સાથે વાત કરાવી હતી અને ત્રણ લાખ પરત મેળવવા માટે ટૂકડે-ટૂકડે કુલ રૂૂા. 11.09 લાખ ખંખેરી લીધા હતા, જે અંગે અંતે ફરિયાદ નોંધાવાઈ હતી.પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.