નખત્રાણાના ઓરીડા ગામેથી ગુમ થયેલા કૌટુંબિક ભાઇ-બહેનની ડેમમાંથી લાશ મળી
આપઘાત કરી લીધાની શંકા : પરિવારમાં શોક
નખત્રાણા તાલુકાના ઓરીડા ગામમાં રહેતા કૌટુંબિક ભાઈ-બહેન બે દિવસ અગાઉ ગુમ થયા બાદ નિરોણા ડેમના બીબર સીમ વિસ્તારમાં આવેલા ખારા ધ્રોમાંથી ડૂબેલી હાલતમાં મળી આવતા પોલીસે પીએમ સહીતની તજવીજ હાથ ધરી છે.
નિરોણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ઓરીડા ગામની 15 વર્ષીય કિશોરી પાયલબેન કમલેશભાઈ કોલી અને 20 વર્ષીય વાલજી રમેશ કોલી મૃત હાલતમાં મળી આવ્યા હતા.સમગ્ર મામલે નિરોણા પોલીસ મથકના પીએસઆઈ આઈ.આર.ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હતભાગી યુવાન મુળ ખાવડા બાજુનો હતો અને લાકડા કાપવાના વ્યવસાય અર્થે ઓરીડા ગામમાં પોતાના મામાના ઘરે રેહેતો હતો.શનિવારે હતભાગી યુવાન અને કિશોરી ગુમ થઇ ગયા હતા.
જે બાદ પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરતા નિરોણા ડેમના બીબર સીમ વિસ્તારમાં આવેલા ઓગનમાંથી ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે બન્નેના મૃતદેહને હોસ્પિટલ ખાતે લઇ જઈ પીએમ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે નિરોણા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મોતનું કારણ જાણવા સહિતની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
