કચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયો
200 પોલીસ અને 100 ફોરેસ્ટ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે ઓપરેશન
કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુણાઠીયા અને ભાચુંડા ગામની સીમમાં ફોરેસ્ટ વિભાગની 600 હેક્ટર (લગભગ 864 એકર) જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને વાવેતર કરવામાં આવ્યું હતું. વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે ભારે પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી નલિયા દક્ષિણ રેન્જ હેઠળ આવતા વિસ્તારમાં કરવામાં આવી હતી. દબાણ દૂર કરવા માટે 200 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 100 જેટલા વન વિભાગના અધિકારીઓનો કાફલો જોડાયો હતો. આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી બી.બી. ભગોરા, નલિયા પીઆઈ વી.એમ. ઝાલા, પીઆઈ એ.એસ. ચૌધરી અને કોઠારાના ઇન્ચાર્જ પીઆઈ એન.ડી. જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.
નલિયા દક્ષિણ રેન્જના આરએફઓ કનકસિંહ રાઠોડ અને નલિયા ઉત્તર રેન્જના આરએફઓ અજય સોલંકીએ જણાવ્યું હતું કે, આ જમીન પર લાંબા સમયથી દબાણ થયું હતું અને ખેડૂતો દ્વારા વાવણી પણ કરી દેવામાં આવી હતી. સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી થયેલા દબાણને દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવતા તંત્રએ રાહત અનુભવી છે. આ કડક કાર્યવાહીથી ભવિષ્યમાં સરકારી જમીન પર દબાણ કરતા તત્વો માટે એક દાખલો બેસાડવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં જમીનનું સરક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.