રાપર પેટ્રોલ પંપમાંથી 12.79 લાખની લૂંટ કરનાર આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
પોલીસ ગળપાદર જેલમાંથી રાપર કોર્ટમાં લઈ જતાં પોલીસ વેનમાંથી ભાગી ગયો
કચ્છના રાપરમાં લૂંટ કેસનો આરોપી આજે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા દોડધામ મચી છે. ગળપાદર જેલમાં બંધ લૂંટના આરોપીની આજે રાપર કોર્ટમાં તારીખ હોય પોલીસ જાપ્તા સાથે લઈ જવામાં આવી રહ્યો હતો. ચિત્રોડ નજીક ફાટક બંધ હોય પોલીસવાન ઉભી રહેતા આરોપી પોલીસકર્મીઓને ચકમો આપી નાસી જતા સવાલો ઉઠ્યા છે.
નાસી છુટેલા આરોપીને ઝડપી પાડવા પોલીસતંત્રમાં દોડધામ મચી છે.રાપરના ત્રમ્બો રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપમાં ગત વર્ષના નવેમ્બર માસની 27 તારીખે આરોપી સુખાએ સગીર સાથે મળીને રૂૂ. 12.79 લાખની લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ મુખ્ય આરોપી સહિત કુલ 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તે કેસમાં ગળપાદરની જેલમાં કેદ સુખાને આજે રાપર કોર્ટમાં રજૂ કરવા લઈ આવતી વેળાએ તે ચિત્રોડ નજીકના રેલવે ફાટક પાસેથી પોલઇને હાથ તાળી આપી રફુચક્કર થઈ ગયો છે.
ઘટના બની તે વિસ્તાર ગાગોદર પોલીસ મથકની હદમાં આવતો હોય ગાગોદર પીએસઆઇ પ્રજાપતિનો મોબાઈલ ફોન વડે સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તે થઈ શક્યો ના હતો. જોકે ગાગોદર પોલીસ મથકના હાજર કર્મચારી સાથે વાત કરતા તેમણે બનાવને સમર્થન આપ્યું હતું અને ફરાર આરોપીને પકડવા માટે હાલ પોલીસની ટીમ શોધખોળમાં હોવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખ કરીએ તો ફરાર આરોપી સામે લૂંટ પહેલા મારામારી અને ખૂન સહિતના ગુના પણ નોંધાયેલા છે.