કચ્છમાં સ્ટીલ કંપનીમાં દુર્ઘટના: 1નું મોત, 18 ઘાયલ
મુન્દ્રા નજીક નીલકંઠ સ્ટીલમાં લોખંડનો માચડો તૂટતા અકસ્માત
મુન્દ્રા પાસેના ભદ્રેશ્વર સ્થિત નીલકંઠ કંપનીમાં મંગળવાર સાંજે લોખંડની ચેનલના સેડ નિર્માણના કાર્ય માટે બનાવાયેલું માચડું તૂટી પડતા 18 જેટલા પરપ્રાંતીય મજૂરો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં 1 મહિલા કામદારનું મૃત્યુ નિપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
ઘાયલોની સારવાર આદિપુર અલગ અલગ ત્રણ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં 4 શ્રમિકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં તાકીદની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ મામલે મુન્દ્રા મરીન પીઆઇ નિર્મલસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરતા 15 જેટલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 4 મજૂરને અદિપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાકીદની સારવાર અપાઈ રહી છે. ઘટનાના કારણ વિશે કહ્યું કે, લોખંડની ચેનલના સેડ નિર્માણ કાર્ય માટે તૈયાર કરાયેલા ઊંચા પ્લેટફોર્મ(માંચડા) ઉપર મર્યાદા કરતા વધુ સાંખ્યામાં શ્રમિકો જોડતા વધુ પડતી સંખ્યાથી વજન વધી જતાં પ્લેટફોર્મ તૂટી પડ્યું હતું.
નોંધનીય છે કે, ડીવાઇન લાઈફ કેર હોસ્પિટલમાં 1 જરનલ વોર્ડમાં જ્યારે 4 મજૂરને આઈસીયુમાં દાખલ કરાયા છે. એક મહિલા કામદારના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. અદિપુરની સ્ટર્લિંગ હોસ્પિટલના અલ્પેશ દવેએ કહ્યું કે, અહીં 4ની હાલત નાજુક જણાતા આઈસીયુમાં દાખલ કરાયા છે. જ્યારે 8 લોકોને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.