કચ્છના મેઘપર બોરીચીમાં યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા
અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા: સારવાર મળે તે પહેલા જ મોત
અંજારના મેઘપર બોરીચીના પારસનગર વિસ્તારમાં ઘરે એકલી રહેલી યુવતીની અજાણ્યા ઈસમે ઘરમાં ઘુસીને ઘાતકી હત્યા નિપજાવી હતી. મોડી રાત્રે આ અંગે અંજાર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અંજાર પોલીસના સુત્રોએ જણાવ્યું કે ગતરોજ બપોરના અઢી વાગ્યાથી સાડા ચાર વાગ્યાના અરસામાં આ હત્યાની ઘટના બની હતી. આ સમયે 23 વર્ષીય પાયલ પ્રકાશ ઉતમચંદાણી ઘરે એકલી હતી ત્યારે અજાણ્યા શખ્સે ઘરે આવીને પેટ અને શરીરે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી દીધા હતાં.
ઘટનાની જાણ થતા યુવતીના મીત્ર સ્થળ પર ધસી ગયા હતા અને તેને અંજારની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ઉપસ્થિત તબીબે યુવતીનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ભરબપોરે ઘરમાં ઘુસીને યુવતીની હત્યાના બનાવથી ચકચાર પ્રસરી છે તો આખરે ક્યાં કારણો આ પાછળ રહ્યા હશે અને કોના દ્વારા આ કૃત્ય આચરાયું છે તેની સઘન તપાસ પોલીસે હાથ ધરી છે.