ગાંધીધામમાં જુગારના ડખામાં યુવાનની અને માધાપરમાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા
સુંદરપુરીમાં રક્ષાબંધન પૂર્વ જુગાર રમવા બેસેલા મિત્રો વચ્ચે માથાકૂટ થતા યુવાનને છરી ઝીંકાઇ: માધાપરમાં કૌટુંબિક મહિલા સાથેના આડાસંબંધમાં મોટાભાઇએ નાનાભાઇનું ઢીમ ઢાળી લાશ સીમમાં ફેંકી દીધી
કચ્છમાં બબ્બે હત્યાથી પોલીસ દોડતી થઇ છે. ગાંધીધામના સુંદરપૂરીમાં જુગારના ડખ્ખામાં યુવાનની હત્યા થઇ હતી અને માધાપર ગામે સથવારા વાસમાં કૌટુબીંક મહિલા સાથેના આડાસંબંધમાં મોટાભાઇએ નાનાભાઇની હત્યા કરી લાશ સીમમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે આરોપીઓને પકડી લેવા કવાયત શરૂ કરી છે.
પ્રથમ બનાવમાં ગાંધીધામના સુંદરપુરીમાં રક્ષાબંધનની પુર્વ મોડી રાત્રે જુગાર રમતા શખ્સો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં આરોપીએ ઉશ્કેરાઈને છરી કાઢીને સાથે રમતા એક યુવાનના પગમાં મારી દેતા ગંભીર ઈજાઓથી તેનું મોત નિપજ્યું હતું.
ગાંધીધામ એ ડિવીઝન પોલીસ મથકે વેરશીભાઈ દાદુભાઈ માતંગએ આરોપીઓ મોહન ખીમજી જટ, મેઘજી અરજણભાઈ માતંગ, પ્રેમજી ઉર્ફે પપ્પુ અરજણભાઈ માતંગ અને ખીમજી વેલજી જટ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત રોજ તહેવારો હોવાથી તેવો પોતાના ઘરે ઉંઘી ગયા હતા. ત્યારે રાત્રીના અઢી વાગ્યે તેમના મોટા પુત્રએ તેમને જગાડ્યા અને કહ્યું તેમના નાના પુત્ર 25 વર્ષીય નરેશને છરી લાગતા હોસ્પિટલ લઈ જઈએ છીએ તેમ કહેતા તેમણે પણ દોટ મુકી હતી અને સ્ટર્લીંગ હોસ્પિટલ લઈ જતા યુવાનનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હોવાનું હાજર તબીબે જણાવતા મૃતદેહને રામબાગ હોસ્પિટલ લઈ જવાયો હતો.
આ ઘટાનાક્રમ કઈ રીતે બન્યો તેની તપાસ કરતા સામે આવ્યું કે નરેશ સાથે આરોપી મોહન તથા પપ્પુ અને મેઘજી પતાનો જુગાર રમતા હતા ત્યારે મેઘજી અને પપ્પુ નરેશ વચ્ચે ઝગડો થયો હતો. દરમ્યાન અવાજ સાંભળીને મોહનના પપ્પા ખીમજી ભાઈ પણ ત્યાં આવી જતા અને તેમણે પણ નરેશને મારીને કહ્યું કે નમારી નાખોથ એમ કહેતા મોહને તેની ભેટમાંથી છરી કાઢીને નરેશને મારતા નરેશને જમણા પગમાં ઉંડો ઘા લાગ્યો હોવાથી તે પડી ગયો હતો. આ દશ્ય જ્યારે ચોકમાં તેમણે જોયું તો મૃતક ચોકમાં પડેલો હતો અને હાથમાં છરી સાથે મોહન જટ ઉભો હતો. જુગાર રમતા રમતા થયેલા ઝગડામાં આ ઘટનાક્રમ બનવા પામ્યો હતો જે હત્યામાં પરીણમ્યો હતો. પોલીસે આરોપી સામે હત્યાની કલમો તળે ગુનો નોંધીને તપાસનો દોર હાથ ધર્યો હતો.
બીજી હત્યાની ઘટનામાં માધાપરના સથવારાવાસમાં 27 વર્ષીય ઈશ્વર પ્રેમજી સથવારાનું તેના મોટા ભાઈ કલ્પેશે લોખંડના પાઈપથી ફટકા મારી ઢીમ ઢાળીને તેની લાશને પત્રીની સીમમાં ફેંકી દીધાનો પર્દાફાશ થયો છે. પરિવારની મહિલા સાથેના આડા સંબંધ આ હત્યા પાછળ કારણભૂત હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. આ હત્યા સંબંધે મૃતક અને હત્યારાના પિતા પ્રેમજી કાનજી સથવારાએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી વિગતો મુજબ તેઓ પત્રીના વાડીવિસ્તારમાં રહે છે અને પુત્ર ઈશ્વર તથા કલ્પેશ માધાપરમાં સથવારાવાસમાં પાસપાસમાં રહે છે. હત્યાના પર્દાફાશ બાદ આરોપીએ કરેલા ઘટસ્ફોટમાં પરિવારની મહિલા સાથેના આડા સંબંધને લઈ બન્ને ભાઈઓ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા અને 15મી ઓગસ્ટના પણ આવો જ ઝઘડો થયો હતો.
બીજા દિવસે સવારે કલ્પેશ લોખંડનો પાઈપ લઈ ઈશ્વરના ઘરે ગયો હતો અને માથાના ભાગે પાઈપના ફટકા મારી લોહીલુહાણ કરી ઢીમ ઢાળી દીધું હતું. આ હત્યા બાદ તેની લાશને મદનિયા ટેમ્પામાં પાછળ મૂકી પત્રી ગામની ખારા વિસ્તારની સીમમાં ફેંકી દીધી હતી. આ બાદ 16મીથી જ કલ્પેશ અને તેના ત્રણ સંતાનો તથા ઈશ્વર ગુમ થયાની જાણ ફરિયાદી પ્રેમજીભાઈને થતાં તે માધાપર દોડી આવ્યા હતા. ઘરમાં તપાસતાં ઈશ્વના ઘરમાં લોહીના છાંટા ઊડયાનું તથા લોહીના ડાઘ સાફ કરાયાનું જણાતાં માધાપર પોલીસને જાણ કરતાં પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી તપાસ આદરી હતી અને કલ્પેશે ભાંગી પડી પિતા સમક્ષ હત્યા કબૂલી લીધી હતી.