રાપર પાલિકાના પૂર્વ કા.ચેરમેનના પતિ, ત્રણ પુત્રો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરાયો
રાપરનાં નગાસર તળાવ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક હોટલ પર પાર્સલ લેવા જતા જુના ઝઘડા નું મનદુ:ખ રાખીને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના પતિ અને ત્રણ પુત્ર સહિત પાંચ લોકોએ લાકડી અને પાઇપ વડે યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના રાપર પોલીસ મથકે નોંધાઇ છે જેમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે, જો કે સામે પક્ષે પણ ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
રાપર કોર્ટ સામે રહેતા કાનજીભાઇ ગોરાભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે સાડા નવ વાગ્યે તેઓ પોતાની સાથે કામ કરતા મહેશભાઇ સામાભાઇ કોલી સાથે નગાસર તળાવ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક હોટલમાં પાર્સલ લેવા ગયા હતા.પાર્સલને વાર લાગે એમ હોઇ તેઓ બન્ને ત્યાંથી જઇ રહ્યા હતા ત્યારે બાજુની દુકાનમાંથી પ્રભુ રામજી પીરાણા , રાજુ રામજી પીરાણા, દિનેશરામજી પીરાણા અને ભાવેશ દયારામ અખિયાણી એ જાતિ અપમાનિત કરી જેમતેમ બોલતા હોઇ તેઓ તથા મહેશ બન્ને ત્યાંથી જતા હતા ત્યારે જ રામજી પીરાણા ત્યાં આવ્યો હતો અને આજે આ લાગમાં આવ્યો છે કહી મારી નાખવાના ઇરાદે લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહો઼ચાડી હતી.
તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં પોલીસે બે જણાને રાઉન્ડ અપણ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તો સામે પક્ષે પણ રાત્રે ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાંમાં ટોળું એકઠું થતા રાપર પીઆઇ જે.બી. બુબડીયા, પીએસઆઈ ડી.આર. ગઢવી, પીએસઆઈ ફણેજા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ઘસી ગયો હતો અને ટોળાને વિખેર્યું હતું. જોકે કેટલાક લોકોનું ટોળું ઝગડાના પ્રત્યાઘાત રૂૂપે બનાવ સ્થળે ઘસી ગયું હતું અને દુકાનનાં શટરમાં આગ લગાડી હતી. જોકે હાજર પોલીસ સ્ટાફ દ્વારા મામલો કાબુમાં લેવાયો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ એસપી દ્વારા ભચાઉ ડીવાયએસપીની આગેવાનીમાં રાપર પોલીસ સ્ટાફ સાથે આડેસર, બાલાસર, ગાગોદર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.