ડ્રીમ-11માં ‘કરોડપતિ’ બનાવવાની લાલચ આપી યુવાન સાથે 1.05 લાખની ઠગાઇ
અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેનાર એક યુવાનને ડ્રીમ ઈલેવનની સ્પર્ધામાં જીત અપાવવાનું કહી ઠગબાજ ટોળકીએ રૂૂા. 1,05,600 પડાવી લીધા હતા. મેઘપર કુંભારડીના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેનાર ફરિયાદી ભાવિક રમણીકલાલ ચૌહાણ નામનો યુવાન ગ્રીનલેન્ડ સોસાયટીમાં ધારા પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. ગત તા. 11/4ના તે પોતાની દુકાને હતો. દરમ્યાન અજાણ્યા નંબરથી તેને વોટ્સએપ કોલ આવ્યો હતો અને તમે ડ્રીમ ઈલેવન ઉપર ટીમો લગાડો છો તેવું પૂછતાં ફરિયાદીએ હા પાડી હતી.
આ સ્પર્ધામાં તમારે જીતવું હોય તો અમે સેટિંગ કરાવી આપીએ છીએ, પણ તેની ફી લાગશે તેવું ઠગબાજે કહેતાં ફરિયાદીએ લાલચમાં આવીને તેની હા પાડી હતી. ઠગબાજ શખ્સે શરૂૂઆતમાં રૂૂા. 2000 માગતા ભોગ બનનારે ઓનલાઈન ચૂકવણું કરી આપ્યું હતું. બાદમાં રજિસ્ટ્રેશન, એકાઉન્ટ જનરેટ કરવા, એકાઉન્ટ ચાલુ કરવા, ડ્રીમ ઈલેવન સ્પર્ધામાં પહેલા નંબરે વિનિંગ ઝોનમાં આવવા વગેરે બહાના કરીને આ ફરિયાદી પાસેથી રૂૂપિયા પડાવી લીધા હતા. તેની પાસે લિમિટ પૂરી થતાં ફરિયાદીએ પોતાની માસીના દીકરા જય પીયૂષ રાઠોડને ક્યુઆર કોડ મોકલાવ્યું હતું. તેણે પણ રૂૂા. 7800 તેમાં નાખ્યા હતા. બાદમાં જય રાઠોડે આ ફરિયાદોને છેતરાઈ ગયો હોવાની જાણ કરી ઓનલાઈન ફરિયાદ કરાવી હતી. રૂૂા. 1,05,600ની આ છેતરપિંડી, ઠગાઈના બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.