ભુજ તાલુકા પંચાયતમાં આવાસ યોજનાના ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયા
ભુજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કાર્યરત ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ રૂૂ. 40,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે એસીબીએ આ સફળ ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના અને તેના સંબંધીઓના મકાન બનાવવા માટે મળવાપાત્ર સહાય માટે અરજી કરી હતી.
આ અરજી અંગે ફરિયાદી જ્યારે ટેકનીકલ આસિસ્ટન્ટ વિશાલ ભરતભાઈ જોષી (આરોપી નં.1)ને મળ્યા ત્યારે તેમણે સહાય માટેની જરૂૂરી ટેકનિકલ કાર્યવાહી કરવા માટે રૂૂ. 40,000ની લાંચની માંગણી કરી હતી. વિશાલ જોષીએ ફરિયાદીને ગ્રામ સેવક દર્શન પટેલ (આરોપી નં.2)ને મળવા જણાવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ભુજ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન આરોપી નં.1એ ફરિયાદીને ફોન પર આરોપી નં.2ને લાંચની રકમ આપવા જણાવ્યું હતું.
ફરિયાદીએ આરોપી નં.2 સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી.
છટકા દરમિયાન આરોપી નં.2 દર્શન પટેલે આરોપી નં.1 વતી રૂૂ. 40,000ની લાંચ માંગી અને સ્વીકારી, જેમાં તે પકડાઈ ગયો હતો. બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હતો. જોકે, આરોપી નં.1 વિશાલ જોષી હાજર મળ્યા ન હતા. આ ટ્રેપિંગ ઓપરેશન ભુજ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરી અને તેમની ટીમે પાર પાડ્યું હતું. સુપરવિઝન અધિકારી તરીકે એસીબી બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે ફરજ બજાવી હતી. આ ઘટના 31 જુલાઈ, 2025ના રોજ બની હતી.