કચ્છમાં સગી જનેતાએ પુત્રની કરાવી હત્યા
ભુજ તાલુકાના મીરઝાપરના 23 વર્ષ દિનેશ ઉર્ફે સુનિલ કોલી નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ આ હત્યાનો ભેદ ઉકેલી પોલીસે હત્યાને અંજામ આપનાર છ આરોપીઓની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ સાથે જ મરણ જનારની સગી જનેતાએ પોતાના અનૈતિક સંબંધને કાયમ રાખવા પોતાના જ પેટે જણેલા પુત્રની હત્યા કરાવ્યાનો ખુલાસો થયો છે.
આ અંગેની વિગતો આપતા માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલ વિગતો પ્રમાણે મીરજાપરના દિનેશ ઉર્ફે સુનિલ ઓસમાણ કોલી નામનો યુવાન સુખપર ગામે લગ્ન પ્રસંગમાં ગયા બાદ તેની સુખપર નજીક હત્યા થયેલી લાશ મળી આવી હતી. આ અંગેની તપાસ દરમિયાન માનકુવા પોલીસે ઇબ્રાહિમ અબ્દુલ કુંભાર રહેવાસી મીરઝાપર, અસલમ સુલેમાન નોતીયાર રહેવાસી મફત નગર સુખપર, ઝુબેર ફકીર મામદ વારોંદ રહેવાસી આશાપુરા નગરી ભુજ, સમીર હુસેન શેખ રહેવાસી આશાપુરી નગરી ભુજ તથા અલ્તાફ અબ્દુલ અલી સમા રહેવાસી ભુજ અને અમીન સલીમ સૈયદ રહેવાસી ભુજ વાળાઓને પકડી પાડી આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ઈબ્રાહીમ અબ્દુલ કુંભાર સાથે મરણ જનાર દિનેશ ઉર્ફે સુનિલની માતાના અનૈતિક સંબંધો હોવાથી માતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય માતાએ પોતાના પુત્રનો કાંટો કાઢી નાખવા આરોપી ઈબ્રાહીમ કુંભારને સોપારી આપી હતી, તેવી કબુલાત આરોપીઓ દ્વારા થતા પોલીસ પણ ચોકી ઉઠી છે. આમ આ હત્યામાં છ આરોપીઓની ધરપકડ બાદ હવે મરણ જનારની માતાની પણ ધરપકડ કરવામાં આવશે.
હત્યાની આ ઘટનામાં સગી જનેતાના અનૈતિક સંબંધો મામલે પેટે જણ્યા પુત્રની હત્યા કરાવ્યાના ઘટસ્ફોટથી ચકચાર સાથે મરણ જનારની માતા સામે ફિટકારની લાગણી ફેલાઇ છે. નોંધનીય છે કે, મરણ જનાર દિનેશ ઉર્ફે સુનિલ પરિવાર સાથે જે લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાં ડાંડિયારાસ દરમિયાન એક આરોપી અસલમ નોતીયાર તેને પોતાની સાથે ડાંડિયારાસમાંથી લઈ જતો વિડીયો કેમેરામાં દેખાયો હતો જેના આધારે પોલીસે અસલમને ઉપાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ આખી હત્યાનો ભેદ ઉકેલાયો હતો.